જલિયાંવાલા નરસંહારનાં 100 વર્ષઃ બ્રિટને માફી માગી, પીએમ-રાષ્ટ્રપતિની શ્રદ્ધાંજલિ

(એજન્સી) નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરના જલિયાંવાલાબાગ હત્યાકાંડની ૧૦૦મી વર્ષગાંઠે બ્રિટિશ સરકારે ફરી એક વાર માફી માગી છે અને આ જલિયાંવાલા નરસંહારને શરમજનક અધ્યાય ગણાવ્યો છે. ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર સર ડોમિનિક એસ્કિવથે પણ જણાવ્યું છે કે ૧૦૦ વર્ષ પહેલાંની આ ઘટના ખરેખર એક શરમજનક અધ્યાય હતો. જલિયાંવાલાબાગમાં જે કાંઈ થયું છે તેનો અમને હંમેશાં ખેદ રહેશે. બ્રિટિશ હાઈ કમિશનરે શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પી હતી.

તેમણે વિઝિટર્સ બુકમાં એક મહત્ત્વપૂર્ણ મેસેજ લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે જલિયાંવાલાબાગ હત્યાકાંડની આજે ૧૦૦મી વરસી છે. બ્રિટિશ-ભારતના ઈતિહાસમાં આ સૌથી શરમજનક ઘટના હતી. જે પણ કંઈ થયું તે બદલ અમને ખેદ છે. મને આનંદ છે કે યુકે અને ભારત ૨૧મી સદીમાં સહયોગાત્મક પ્રયાસો માટે પ્રતિબદ્ધ છે.

જલિયાંવાલાબાગની ૧૦૦મી વરસી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આજે આપણે ભયાનક જલિયાંવાલાબાગ નરસંહારનાં ૧૦૦ વર્ષનું નિરીક્ષણ કરીએ છીએ ત્યારે ભારત એ ઘાતક દિવસે શહીદ થયેલા તમામને શ્રદ્ધાંજલિ આપે છે. તેમની વીરતા અને બલિદાન ક્યારેય ભૂલી શકાશે નહીં. તેમની સ્મૃતિ આપણને એવા ભારતના નિર્માણ માટે વધુ મહેનત કરવા પ્રેરિત કરે છે, જેના પર તેમને ગર્વ થશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે ૧૦૦ વર્ષ અગાઉ આજના દિવસે આપણા પ્યારા સ્વાતંત્ર્યસેનાનીઓ જલિયાંવાલાબાગમાં શહીદ થયા હતા. આ ભીષણ નરસંહાર સભ્યતા પર કલંક છે. બલિદાનનો એ દિવસ ભારત ક્યારેય ભૂલી શકશે નહીં. તેમની પાવન સ્મૃતિમાં જલિયાંવાલાબાગમાં અમર બલિદાનીઓને આપણી શ્રદ્ધાંજલિ.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે સવારે અમૃતસર પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહ પણ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમૃતસરમાં ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના રોજ જલિયાંવાલાબાગમાં એક શાંતિપૂર્ણ સભા માટે એકત્ર થયેલા હજારો ભારતીયો પર અંગ્રેજ શાસકોએ અંધાધૂંધ ગોળીબાર કર્યા હતા, જેમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં બાળકો અને સ્ત્રીઓનો પણ સમાવેશ થતો હતો.

You might also like