હવે સાંસદોનાં પગારો-ભથ્થાંમાં ૧૦૦ ટકા વધારો નિશ્ચિત

નવી દિલ્હી: દેશના સંસદસભ્યોનાં પગારો અને ભથ્થાંમાં ૧૦૦ ટકાનો વધારો હવે સુનિશ્ચિત બની ગયો છે. નાણાં મંત્રાલયે આ દરખાસ્તને બહાલી આપી દીધી છે. હવે માત્ર તેના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આખરી મંજૂરીની પ્રતીક્ષા કરાઈ રહી છે. મોદીની મંજૂરી બાદ સંસદના આગામી સત્રમાં આ અંગેનું વિધેયક રજૂ કરાશે.

સ્પેશિયલ પાર્લામેન્ટરી કમિટીએ સાંસદોના પગાર રૂ. ૫૦,૦૦૦થી વધારીને દર મહિને રૂ. ૧,૦૦,૦૦૦ કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત વિધાનસભા મતક્ષેત્ર ભથ્થું પણ રૂ. ૪૫,૦૦૦થી વધારીને રૂ. ૯૦,૦૦૦ કરવાની ભલામણ કરી છે. જો આ તમામ ભલામણો સ્વીકારી લેવામાં આવશે તો સાંસદોનું મહેનતાણું પેકેજ દર મહિને રૂ. ૧.૪૦ લાખથી વધીને બમણું એટલે કે રૂ. ૨.૮૦ લાખ થઈ જશે. જે સમિતિએ આ ભલામણો કરી છે. તેના અધ્યક્ષ ભાજપના સાંસદ યોગી આદિત્યનાથ છે.

આ સમિતિએ પેન્શનમાં પણ ૭૫ ટકાનો વધારો કરવાનું સૂચન કર્યું છે. સાંસદોનું માનવું છે કે પોતાનાં સારા વલણને કારણે તેઓ પોતાના પગાર અને ભથ્થાંમાં વધારા માટે લાયક છે. સાંસદોના પગારમાં છ વર્ષ અગાઉ વધારો કરાયો હતો.
સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલે પગાર વધારવાનો મુદ્દો રાજ્ય સભામાં ઉઠાવ્યો હતો. મીડિયા પર આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે સાંસદોનાં પગાર અને ભથ્થાં સાથે સંકળાયેલ એક રિપોર્ટ સંસદીય સમિતિએ સુપરત કરી દીધો છે, પરંતુ મીડિયાના પ્રેશરના કારણે તેને દબાવી દેવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે સાંસદો પોતાનાં સારાં વલણને કારણે આ પગાર વધારાને લાયક છે. બજેટમાં પણ લોકસભા સાંસદો માટે રૂ. ૨૯૫.૨૫ કરોડ અને રાજ્યસભાના સાંસદો માટે રૂ. ૧૨૧.૯૬ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું.

You might also like