લદ્દાખમાં બર્ફિલા તોફાનમાં ૧૦ પ્રવાસી દટાયાઃ રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના લદ્દાખમાં આવેલ ઝંઝાવાતી બર્ફિલા તોફાન અને મોટા પાયે હિમસ્ખલનમાં પ્રવાસીઓનાં વાહનો ચપેટમાં આવી જતાં ઓછામાં ઓછા ૧૦ પ્રવાસીઓ આ બરફના તોફાનમાં દબાયા હોવાની આશંકા છે. સેના અને પોલીસે તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે, પરંતુ માઇનસ ૧પ ડિગ્રી તાપમાન અને હાડ થિજાવી નાખે તેવી ઠંડીમાં રેસ્ક્યૂ ઓપરેશન મુશ્કેલ બની ગયું છે. તેમ છતાં ભારતીય સેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે, પરંતુ હવામાનમાં સતત આવી રહેલા બદલાવના કારણે સેનાને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં ભારે મુશ્કેલીઓ નડી રહી છે.

લદ્દાખ સહિત સમગ્ર જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બર્ફિલા તોફાનનું તાંડવ જારી છે. અહેવાલો અનુસાર આજે સવારના ૭-૦૦ વાગ્યાની આસપાસ લદ્દાખના ખારદુંગલામાં રસ્તાની વચ્ચોવચ એક બરફનો પહાડ ધસી પડતાં અનેક પ્રવાસીઓ તેની ચપેટમાં આવી ગયા હતા. ખારદુંગલા પાસમાં દુનિયાની સૌથી ઊંચી સડક આવેલી છે, જ્યાં તાપમાન હાલ ૧પથી પણ ઓછું છે.

બરફના ઢગ નીચે કેટલાય પ્રવાસી દટાઇ ગયા હોવાની દહેશત છે. આ ઉપરાંત બરફના તોફાનમાં અનેક લોકો ફસાયા છે, જેમને બચાવવાની કામગીરી જારી છે. લદ્દાખના ખારદુંગલા પાસ પર ત્રાટકેલા હિમ તાંડવમાં પ્રવાસીઓની ચાર ગાડીઓ ફસાઇ ગઈ હોવાની દહેશત છે. સેના અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન દ્વારા પ્રવાસીઓને બચાવવાની કોશિશ કરી રહી છે, પરંતુ પ્રતિકૂળ હવામાનના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે.

ખારદુંગલા પાસ લદ્દાખનું સૌથી ઊંચું ‌િશખર છે જે ૧૮,૩૮૦ ફૂટની ઊંચાઇએ આવેલું છે. હિમસ્ખલનની ચપેટમાં આવેલા પ્રવાસીઓની ચોક્કસ માહિતી અને વિગતો હજુ સુધી ઉપલબ્ધ બની નથી. હવામાન વિભાગે કાશ્મીર ખીણ અને હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસમાં ભારે હિમવર્ષાની ચેતવણી આપી છે.

You might also like