૧૦ હજાર પોલીસ જવાન-અધિકારીઅોનું રિહર્સલ

અમદાવાદઃ ભગવાન જગન્નાથની ૧૩૯મી રથયાત્રાને બે દિવસ બાકી રહ્યા છે ત્યારે શહેર પોલીસ દ્વારા રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. રથયાત્રા અને ઈદનો તહેવાર સાથે અાવતો હોઇ પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં અાવી છે. ૧૦ હજાર પોલીસ જવાનોના કાફલા સાથે શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝાની અાગેવાનીમાં અાજે સવારે રથયાત્રાના રૂટ ઉપર પોલીસ દ્વારા રિહર્સલ યોજવામાં અાવ્યું હતું.

રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિ અને કોમી એખલાસના વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય તેને લઈ પોલીસ દ્વારા એક મહિનાથી તૈયારીઓ શરૂ કરી દેવામાં અાવી હતી. અાશરે ૧૬ થી ૧૭ હજાર જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત રથયાત્રા માટે રાખવામાં અાવ્યો છે. અાજે સવારે શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝાની અાગેવાનીમાં રથયાત્રાના રૂટ ઉપર રિહર્સલ યોજવામાં અાવ્યું હતું, જેમાં ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ તેમજ જવાનોનો કાફલો હતો.

ઉપરાંત બહારથી બોલાવાયેલી કંપનીઓ, ડોગ સ્કવોડ, નેત્ર કેમેરાવાન, વજ્ર વગેરે રિહર્સલમાં જોડાયા હતા. રથયાત્રાની સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં અાવ્યું હતું. પોલીસ અધિકારીઓએ શહેરના સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન કોઈ પણ કાંકરીચાળો ન થાય અને જો નાની-મોટી ઘટના બને તો તે પરિસ્થિતિ પર કઈ રીતે કાબૂ મેળવવો તે અંગેનાં અમુક સૂચનો કર્યાં હતાં. હાલમાં પોલીસ દ્વારા સતત બે દિવસ અતિસંવેદનશીલ વિસ્તાર એવા દરિયાપુર, શાહપુર અને ખાડિયામાં પેટ્રોલિંગ કરવામાં અાવી રહ્યું છે. અાવતી કાલે પણ પોલીસ દ્વારા રિહર્સલ અને ફ્લેગમાર્ચ યોજાશે.

You might also like