ધો.૧૦ના વિદ્યાર્થીઓને માર્કશીટની સાથે મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ અપાશે

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને માધ્યમિક શાળાનું મેટ્રિકયુલેશન સર્ટિફિકેટ આ વર્ષથી માર્કશીટની સાથે જ આપવાનું શરૂ કરી દેવાશે. મેટ્રિકયુલેશન સર્ટિફિકેટ પાસપોર્ટ મેળવતી વખતે રજૂ કરવાથી પાસપોર્ટમાં એનઈસીઆર (ઈમિગ્રેશન ચેક નોટ રિકવાયર્ડ) લખાઈને આવતાં કેટલાક દેશોમાં જતા વિદ્યાર્થીઓને આ બાબતે સરળતા રહે છે.

છેલ્લાં પાંચ વર્ષથી મેટ્રિકયુલેશન સર્ટિફિકેટ આપવાનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બંધ કરાયું હતું. પાસપોર્ટ માટે અરજી કરનાર વિદ્યાર્થીને પાસપોર્ટમાં એનસીઈઆર લખાઈને ન આવે તે માટે મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ રજૂ કરવું હોય તો તે મેળવવા શિક્ષણ બોર્ડની કચેરી સુધી ધક્કો ખાવો પડતો હતો.

ચાલુ વર્ષ ધોરણ-૧૦ની પરીક્ષા આપ્યા બાદ માર્કશીટની સાથે-સાથે વિદ્યાર્થીને વિદ્યાર્થીનું નામ, પરીક્ષાનો સીટ નંબર, જન્મતારીખ, શાળાનું નામ, પરીક્ષાનું કેન્દ્ર વગેરે વિગતો દર્શાવતું સર્ટિફિકેટ મળી જશે. શિક્ષણ બોર્ડનાં સૂત્રોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી અને વાલીઓને પાસપોર્ટ તથા વિઝા કઢાવવા માટે જરૂરી માધ્યમિક શાળાના સર્ટિફિકેટને લઈને પડતી મુશ્કેલીઓ ધ્યાને લઈને આ વર્ષથી તમામ વિદ્યાર્થીને આ પ્રકારનું સર્ટિફિકેટ આપવાનો નિર્ણય કરાયો છે, જેના કારણે શિક્ષણ બોર્ડને ૫ લાખ રૂપિયાનો વધારાનો આર્થિક બોજ પડશે.

આ વર્ષે ધોરણ-૧૦ની ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તેથી આ તમામ વિદ્યાર્થીઓને હવે જરૂર પડે સબમીટ કરી શકે તે હેતુથી મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ માર્ટશીટની સાથે જ ઈશ્યૂ કરી દેવામાં આવશે.

ધોરણ-૧૦નું સર્ટિફિકેટ પાસપોર્ટ મેળવતી વખતે રજૂ ન કરાયું હોય તો પાસપોર્ટમાં ઈસીઆઈ (ઈમિગ્રેશન ચેક રિકવાયર્ડ) લખાઈને આવે છે, જેથી કેટલાક દેશોમાં જતી વખતે ફરજિયાત ઈ‌િમગ્રેશનની પ્રોસિજરમાંથી જે તે વિદ્યાર્થીએ પસાર થવું પડે છે. માટે પાસપોર્ટ કઢાવતી વખતે મોટા ભાગના વિદ્યાર્થીઓ ઈમિગ્રેશન ચેક નોટ રિકવાયર્ડ ઈસીએનઆર લખાયેલો પાસપોર્ટ મેળવવાનું પસંદ કરે છે.
http://sambhaavnews.com/

You might also like