અાંબાવાડીમાં દસ જેટલા યુવકોએ બે કોન્સ્ટેબલને ઝૂડી નાખ્યા

અમદાવાદ: શહેરના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલને અાજે વહેલી સવારે દસ જેટલા યુવકોએ માર માર્યો હતો. બંને ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં અાવ્યા છે. અા અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ પર હુમલો અને મારામારીની ફરિયાદ નોંધી ચાર જેટલા યુવકોની અટકાયત કરવામાં અાવી છે.

મળતી માહિતી મુજબ દિવાળીનો તહેવાર હોઈ શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ કરવા માટે અાદેશ અાપવામાં અાવ્યા છે. જેના અનુસંધાને અલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશસિંહ ઝાલા અને અન્ય એક કોન્સ્ટેબલ પેટ્રોલિંગમાં હતા. દરમિયાનમાં વહેલી સવારે પાંચેક વાગ્યાની અાસપાસ તેઓ ભૂદરપુરા રેલવો ક્રોસિંગ પાસે પહોંચ્યા ત્યારે બે છોકરીઓ સહિત દસેક જેટલી વ્યક્તિઓનું ટોળું ત્યાં ઊભું હતું એક યુવક એક્ટિવા ઉપર અાડો પડ્યો હતો જેથી બંને કોન્સ્ટેબલ તેમની પાસે ગયા હતા અને શું થયું તેમ પૂછ્યું હતું. હાજર યુવકોએ એક્ટિવા પર સૂતેલા યુવકે વધારેપડતો દારૂ પીધો હોવાનું જણાવ્યું હતું. જેથી કોન્સ્ટેબલ અલ્પેશસિંહે તેને હોસ્પિટલ લઈ જવા માટે જણાવ્યું હતું.

હોસ્પિટલ લઈ જવા બાબતે યુવકો સાથે બંને કોન્સ્ટેબલને માથાકૂટ થઈ હતી અને તેઓ ઉશ્કેરાઈ બંને કોન્સ્ટેબલ ઉપર તૂટી પડ્યાં હતાં. દરમિયાનમાં કોન્સ્ટેબલની સોનાની ચેઈન પણ તૂટી ગઈ હતી. બનાવ બાદ કેટલાક યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. અા અંગે પોલીસને જાણ કરાતા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં દોડી અાવ્યો હતો અને બંને કોન્સ્ટેબલને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં અાવ્યા હતા. પોલીસે યુવકો સામે ગુનો નોંધી ચાર યુવકોની ધરપકડ કરી છે.

You might also like