તસ્કરોએ મુહૂર્ત કર્યુંઃ પાલડીમાં બે ભાઈના બંગલામાંથી 10 લાખની ચોરી

અમદાવાદ: દિવાળીના તહેવારમાં શહેર પોલીસે લોકોની સલામતી માટે કરેલા દાવા પોકળ સા‌િબત થયા છે. પાલડીમાં રહેતા અને ફાર્મા કંપની ધરાવતા બે ભાઇઓના બાજુ-બાજુમાં આવેલા બંગલામાં ગઇ કાલે વહેલી પરોઢે તસ્કરો હીરાજ‌િડત દાગીના સહિત ૧૦ લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ જતાં પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થયા છે. ઘરફો‌ડિયા, તસ્કરો તેમજ ચેઇન સ્નેચરોને પકડવા માટે મોડી રાતે પોલીસ હવા‌િતયાં મારતી હતી ત્યારે આ ઘટના ઘટી છે.

દિવાળીના પાંચ દિવસના પર્વમાં કાળી ચૌદસને વ્યવહાર માટે અશુભ ગણવામાં આવે છે, પરંતુ તસ્કરો માટે કાળી ચૌદસનો દિવસ મુહૂર્ત માટે ઉત્તમ ગણવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે તેઓ તાળાં તોડવાના ગણેશિયાની પુજા કરી રાતે ચીબરીના અવાજના આધારે તે દિશામાં ચોરી કરીને મુહૂર્ત કરે છે.

તસ્કરો કાળી ચૌદસ અને દિવાળી આ બે દિવસને મુહૂર્ત કરવા માટે શ્રેષ્ઠ માને છે. તસ્કરોએ પાલડીમાં ફાર્મા કંપનીના મા‌િલકના બંગલામાં ચોરી કરીને મુહૂર્ત કરી દીધું છે.

પાલડી વિસ્તારમાં આવેલ એવન અર્હમ સોસાયટીમાં રહેતા અને સ્ટેલીઓન લેબોરેટરી પ્રાઇવેટ ‌લિમિટેડ નામની ફાર્મા કંપની ધરાવતા વિજયભાઇ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે.

વિજયભાઇ તેમનાં પત્ની, પુત્ર-પુત્રવધૂ તેમજ પુત્રી સાથે રહે છે ત્યારે તેમના બાજુમાં શરણમ્ બંગલોઝમાં તેમના નાના ભાઇ સંજયભાઇ શાહ, જે એસ્પી ફ્રાર્મ કેમ પ્રાઇવેટ ‌લિમિટેડ નામની ફાર્મા કંપની ધરાવે છે.

તે તેમના પરિવાર સાથે રહે છે. બન્ને બંગલા અલગ અલગ સોસાયટીમાં આવેલા છે, પરંતુ એકબીજાના ઘરમાં ધાબા પરથી આસાનીથી જઇ શકાય છે. ગઇ કાલે કાળી ચૌદસ હતી ત્યારે તસ્કરો બન્ને ભાઇઓના ઘરમાં ૧૦ લાખ રૂપિયાના હીરાજ‌િડત દાગીના સહિત રોક્ડ રકમની ચોરી કરીને લઇ ગયા છે.

ગઇ કાલે વહેલી પરોઢે વિજયભાઇનાં પત્ની જસ્મીનબહેન ઊઠીને નીચે આવ્યા ત્યારે તેમણે ઘરનો સામાન વેરવિખેર પડેલો જોયો હતો. જસ્મીનબહેને બૂમાબૂમ કરતાં વિજયભાઇ નીચે આવી ગયા હતા ત્યારે તેમનો પુત્ર અને પુત્રવધૂ પણ આવી ગયાં હતાં.

તસ્કરો બેડરૂમની બારી ખોલીને ઘરમાં પ્રવેશ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ વિજયભાઇના ઘરમાંથી પાંચ હજાર યુએસ ડોલર સહિત હીરાજ‌િડત સોનાના દાગીનાની ચોરી કરી હતી

વિજયભાઇએ ચોરી થઇ હોવાની સંજયભાઇને જાણ કરી હતી તો તેમણે પણ ચોરી થઇ હોવાની વાત કરી હતી. તસ્કરો વિજયભાઇના ઘરે ચોરી કરીને ધાબા પર થઇને સંજયભાઇના ઘરે ગયા હતા અને ચોરી કરી હતી.

તસ્કરોએ સંજયભાઇના ઘરમાંથી પાંચ લાખ રોક્ડ તેમજ હીરાજ‌િડત દાગીનાની ચોરી કરી હતી. તસ્કરોએ બન્ને ભાઇના ઘરમાં કુલ ૧૦ લાખ રૂપિયાની ચોરી કરી હતી. વિજયભાઇએ તાત્કા‌િલક પોલીસને જાણ કરી દીધી હતી.

એક વેપારીના ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થતાં પાલડી પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા જ્યારે એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમ પણ દોડી આવી હતી.

તસ્કરો પાંચ હજાર ડોલર, હીરાજ‌િડત દાગીના અને કર્મચારીઓને આપવા માટે લાવેલા પાંચ લાખ રૂપિયા રોક્ડની ચોરી કરીને નાસી ગયા હતા. પાલડી પોલીસે આ મામલે તસ્કરો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગત વર્ષે કાળી ચૌદસના દિવસે તસ્કરોએ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ અબજીબાપા લેકવ્યૂ એપાર્ટમેન્ટના ત્રણ બ્લોકના દસ ફ્લેટમાંથી લાખો રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

તસ્કરોએ અબજીબાપા લેકવ્યૂ એપાર્ટમેન્ટના એચ, જે અને જી બ્લોકના ૧૦ ફ્લેટના તાળાં તોડીને તસ્કરોએ લાખો રૂપિયાની ચોરી કરી હતી.

દસથી પંદર તસ્કરો કાળી ચૌદસના દિવસે અબજીબાપા લેકવ્યૂનો કોટ કૂદીને ઘૂસ્યા હતા. આ સિવાય તસ્કરોએ અબજીબાપા ફ્લેટની બાજુમાં આવેલા કલ્પસરુ એપાર્ટમેન્ટના પાંચ ફ્લેટમાં ચોરીની ઘટનાને અંજામ આપીને રફુચક્કર થઇ ગયા હતા.

You might also like