બેન્કોના મર્જરના વિરોધમાં 10 લાખ બેન્ક કર્મચારીઓની હડતાળઃ કામકાજ ઠપ

નવી દિલ્હી: છેલ્લા એક અઠવાડિયાથી દેશની બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થઇ છે. પાંચ દિવસમાં એક વખત બેન્ક ખૂલ્યા બાદ આજે ફરી દેશની મોટા ભાગની બેન્કોની કામગીરી ઠપ થઇ ગઇ છે. આજે ૧૦ લાખ જેટલા બેન્ક કર્મચારીઓએ હડતાળ પાડી હતી. કુલ નવ બેન્કના યુનિયનોએ આજે હડતાળનું એલાન આપ્યું હતું.

હડતાળને કારણે નાણાકીય વ્યવહારો ઠપ થઇ ગયા હતા અને સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. આ અગાઉ પણ બેન્કોએ ર૧થી ર૩ ડિસેમ્બર દરમિયાન હડતાળ પાડી હતી. ત્યાર બાદ ર૪ ડિસેમ્બરે બેન્ક ખૂલી હતી. રપ ડિસેમ્બરે બેન્કમાં નાતાલની રજા હતી અને આજે ૧૦ લાખ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા.

યુનાઇડેટ ફોરમ ઓફ બેેન્ક યુનિયન્સના મીડિયા પ્રભારી અનિલ તિવારીના જણાવ્યા અનુસાર બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓએ પગાર વધારા અને બેન્કોના મર્જરના વિરોધમાં આજે હડતાળનું એલાન આપ્યું છે. યુનાઇડેટ ફોરમ ઓફ બેેન્ક યુનિયન્સ નવ બેન્કોના યુનિયનનું મહાસંગઠન છે.

તેમાં ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશન (એઆઇબીઓસી), ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસીએશન (એઆઇબીઇએ), નેશનલ કોન્ફડરેશન ઓફ બેન્ક એમ્પ્લોઇઝ (એનસીબીઇ) અને નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેન્ક વર્કર્સ (એનઓબીડબલ્યુ) વગેરે યુનિયનનો સમાવેશ થાય છે.

યુનાઇડેટ ફોરમ ઓફ બેેન્ક યુનિયન્સના દાવા મુજબ તેમના સભ્યોની સંખ્યા ૧૦ લાખથી વધુ છે. એઆઇબીઇએના મહામંત્રી સી.એચ.વેંકટચલમે જણાવ્યું હતું કે એડિશનલ ચીફ લેબર કમિશનરે સમાધાન માટે બેઠક બોલાવી હતી, પરંતુ તેની કોઇ ફલશ્રુતિ નીકળી નથી અને તેથી તમામ યુનિયનોએ આજે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

You might also like