કેલિફોર્નિયાનાં જંગલમાં ભીષણ આગ ૧૦નાં મોતઃ ૧પ૦૦ મકાનો ખાખ થયાં

વોશિંગ્ટન: અમેરિકાના કેલિફોર્નિયાનાં જંગલમાં ભીષણ આગ ફાટી નીકળવાથી ઓછામાં ઓછા દસનાં મોત થયાં છે. આ આગમાં ૧પ૦૦થી મકાનો ખાખ થઇ ગયાં છે. આગ ઝડપથી કેલિફોર્નિયાનાં જંગલમાં પ્રસરી રહી છે. સમાચાર એજન્સી બીબીસીએ કેલિફોર્નિયાના ગવર્નર જેરી બ્રોનને ટાંકીને જણાવ્યું છે કે ભીષણ દાવાનળના પગલે નાપા, સોનોમા અને યુબામાં ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. આ ભીષણ આગથી લોકોને બચાવવા તકેદારીનાં પગલાં તરીકે ર૦,૦૦૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ફાયર બ્રિગેડ વિભાગના વડા કિમ પીમલોટે જણાવ્યું હતું કે આગના કારણે ૧પ૦૦થી વધુ મકાનો ભસ્મીભૂત થઇ ગયાં છે. કે‌િલફોર્નિયાનાં જંગલમાં આ આગ કઇ રીતે ફેલાઇ તે હજુ સુધી જાણવા મળ્યું નથી. સત્તાવાળાઓ આગનું કારણ જાણવા તપાસ કરી રહ્યા છે.

રવિવાર રાતથી કેલિફોર્નિયાનાં જંગલમાં આગની જ્વાળાઓ દેખાવાનું શરૂ થયંુ હતું અને ઝડપથી આગ જંગલમાં પ્રસરી ચૂકી હતી. ફાયર બ્રિગેડના વડા કિમ પીમલોટે જણાવ્યું હતું કે અમારી પ્રથમ પ્રાથમિકતા લોકોને બચાવવાની છે અને તેથી અમે લોકોની જિંદગી બચાવવા સંપૂર્ણ ધ્યાન કે‌િન્દ્રત કરી રહ્યા છીએ. આગ બુઝાવવાનાં અસંખ્ય ઉપકરણો સ્થળ પર લાવવામાં આવ્યાં છે. અમે પુરજોશમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છીએ. લોકોને સુરક્ષિત બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવાના પ્રયાસો પુરજોશમાં ચાલુ છે.

દરમિયાન રાષ્ટ્રીય મોસમ સેવાએ કેલિફોર્નિયાનાં જંગલોમાં લાગેલી આ આગ સાન ફ્રાન્સિસ્કો સુધી પ્રસરી શકે છે એવી ચેતવણી પણ જારી કરી છે. ઝડપી પવનો અને સૂકા હવામાનના કારણે આગળની જ્વાળાઅો ઝડપથી પ્રસરી રહી છે.

You might also like