દેશની દસ હાઇકોર્ટને નવા ચીફ જસ્ટિસ મળશેઃ કોલેજિયમની લીલી ઝંડી

નવી દિલ્હી:
દેશની દસ હાઇકોર્ટને હવે ટૂંક સમયમાં નવા ચીફ જસ્ટિસ મળશે. સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દસ હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસનાં નામની ભલામણ કરી દીધી છે. જે હાઇકોર્ટને નવા ચીફ જસ્ટિસ મળશેે તેમાં દિલ્હી, કોલકાતા, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, મેઘાલય અને તેલંગણા અને આંધ્રપ્રદેશ હાઇકોર્ટનો સમાવેશ થાય છે.

આમાંથી મોટા ભાગની પોસ્ટ પર કેન્દ્ર સરકાર અને કોલેજિયમ વચ્ચે લાંબા સમયથી પ્રવર્તતી અસંમતિના કારણે ખાલી હતી. કોલેજિયમમાંં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સહિત સુપ્રીમ કોર્ટના પાંચ વરિષ્ઠતમ જજ સામેલ હોય છે. કોલેજિયમે નિમણૂક સંબંધિત સૂચન
૧૦ જાન્યુઆરીએ મોકલ્યાં હતાં.

તેના બે દિવસ પછી જ ચાર સિનિયર જજે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને મુખ્ય ન્યાયમ‌ૂર્તિની કાર્યપદ્ધતિ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે હવે કોલેજિયમે દસ હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસની નિમણૂકને લીલી ઝંડી આપી દીધી છે. કોલેજિયમ દ્વારા જે ભલામણ કરવામાં આવી છે તેમાં કોલકાતા હાઇકોર્ટના જજ અનિરુદ્ધ બોઝનું નામ દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સૂચવવામાં આવ્યું છે, જ્યારે કોલકાતા હાઇકોર્ટના સિનિયર મોસ્ટ જજ જ્યોતિર્મય ભટ્ટાચાર્યને પ્રમોશન આપીને તેમને ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરી છે.

મેઘાલય હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દિનેશ માહેશ્વરીને કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બદલી કરવાની ભલામણ કરાઇ છે. અલ્હાબાદ હાઇકોર્ટના સિનિયર મોસ્ટ જજ તરુણ અગ્રવાલ હવે મેઘાલય હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનશે. છત્તીસગઢ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સી.બી. રાધાકૃષ્ણનની તેલંગણા-આંધ્ર હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે બદલી કરાશે.

પટણા હાઇકોર્ટના સિનિયર મોસ્ટ જજ અજયકુમાર ત્રિપાઠી છત્તીસગઢ હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ બનશે. કોલેજિયમે હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના સિનિયર મોસ્ટ જજ અભિલાષાકુમારીનું નામ મણિપુર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સૂચવ્યું છે. કેરળ હાઇકોર્ટના ઇન્ચાર્જ ચીફ જસ્ટિસ એન્ટની ડોમિનિકને બઢતી આપીને ત્યાં જ ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરાઇ છે. પંજાબ-હરિયાણા હાઇકોર્ટના જજ સૂર્યકાંતની નિમણૂક હિમાચલ પ્રદેશના ચીફ જસ્ટિસ તરીકે ભલામણ કરાઇ છે.

You might also like