પુણેમાં નૌકા પર સેલ્ફી લેતાં ૧૦ ડોક્ટર ડૂબ્યાઃ ત્રણનાં મોત

બારામતી-પુણે: મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઈન્દાપુરમાં ઊજની ડેમમાં નૌકા ઊંધી વળી જતાં ત્રણ ડોક્ટરનાં મોત થયાં હતાં. તેમના મૃતદેહો હાથ લાગ્યા છે, જ્યારે તેમના એક સાથીની શોધખોળ જારી છે. આ અકસ્માતમાં છ ડોક્ટર તરીને પોતાની જાતને બચાવવામાં સફળ રહ્યા હતા. એવું કહેવાય છે કે સેલ્ફી લેતી વખતે આ અકસ્માત સર્જાયો હતો અને નૌકા ઊંધી વળી ગઈ હતી.

સોલાપુરના માલશિરસમાં રહેતા ૧૦ ડોક્ટર પુણેના ઈન્દાપુર તાલુકાના અાજૌતી ગામમાં રવિવારે પિકનિક મનાવવા ગયા હતા. આ ડોક્ટર ઈન્દાપુરમાં તેમના એક ડોક્ટર ફ્રેન્ડના ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા. અહીંથી તમામ ડોક્ટર એક નાનકડી નૌકા લઈને ઊજની-ડેમના બેકવોટરમાં સહેલ કરવા નીકળ્યા હતા. પાણીની વચ્ચોવચ્ચ પહોંચીને તમામ ડોક્ટરો સેલ્ફી લેવા નાનકડી નૌકામાં એક સાથે ઊભા થઈ જતાં નૌકાનું બેલેન્સ નહીં રહેતાં નૌકા ઊંધી વળી ગઈ હતી.
એવું કહેવાય છે કે માર્યા ગયેલા ચાર ડોક્ટરને તરતા આવડતું ન હતું.

તરીને બહાર નીકળેલા અન્ય છ ડોક્ટરે ગામના લોકોને મદદ માટે બોલાવ્યા હતા અને ત્યાર બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડી રાત્રે ત્રણ ડોક્ટરના મૃતદેહ મળ્યા હતા અને એકની શોધખોળ જારી છે. મૃતકોમાં ડો. સુભાષ માંજરેકર, ડો. મહેશ લવટે (સર્જન), ડો. ચંદ્રકાંત ઉરાડે અને ડો. અણ્ણા શિંદેનો સમાવેશ થાય છે, જ્યારે ડો. પ્રવીણ શ્રીરંગ પાટિલ, ડો. દત્તાત્રેય ભગવાન સર્ચે, ડો. અતુલ વિનોદકુમાર દોશી, ડો. શ્રીકાંત નંદકુમાર દેવડેકર, ડો. સમીર અશોક દોશી અને ડો. દિલીપ વાઘમોડેએ તરીને પોતાના જીવ બચાવ્યા હતા.

http://sambhaavnews.com/

You might also like