ઉત્તરાખંડમાં બસ ઊંડી ખાઈમાં ખાબકતાં 10નાં મોતઃ 10 ઘાયલ

દહેરાદૂન: ઉત્તર કાશીથી ઋ‌‌િષકેશ જઇ રહેલી ઉત્તરાખંડ પરિવહન નિગમની રપ પ્રવાસીઓથી ભરેલી એક બસ ઉત્તરાખંડના તિહરી જિલ્લામાં ૩૦૦ મીટર ઊંડી ખાઇમાં ખાબકતાં ૧૦ લોકોનાં મોત થયાં છે અને ૧૦ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.

આ દુર્ઘટના આજે સવારના ૮-૦૦ વાગ્યે તિહરી જિલ્લાના ઋષિકેશ- ગંગોત્રી સ્ટેટ હાઇવે એનએચ-૯૪ પર ચંબા-ધરાશુ મોટરમાર્ગ પર સુલ્યાધાર નજીક ઘટી હતી. ઉત્તરાખંડ પરિવહન નિગમની બસ નં.યુપી-૦૭ પીએ-૧૯ર૯ના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ ૩૦૦ મીટર ઊંડી ખાઇમાં ગબડી પડી હતી.

આ બસમાં રપ પ્રવાસીઓ સવાર હતા, તેમાંથી ૧૦નાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં અને ૧૦ લોકો ઘાયલ થયા હતા. ઉત્તરાખંડ સરકારે આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના નિકટનાં પરિવારજનોને રૂ.બે-બે લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

જ્યારે ઇજાગ્રસ્તોને રૂ.પ૦-પ૦ હજારનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉત્તરાખંડ સરકારે આ દુર્ઘટનામાં મેેજિસ્ટ્રેટ દ્વારા તપાસ કરવાનો આદેશ જારી કર્યો છે. પોલીસ અને સ્થાનિક લોકો રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા.

You might also like