જમ્મુ જતી સેનાની સ્પેશિયલ ટ્રેનમાંથી BSFના ૧૦ જવાન અચાનક લાપતા

નવી દિલ્હી: સેનાની સ્પેશિયલ ટ્રેનમાં જમ્મુ-કાશ્મીર જઈ રહેલા બીએસએફના ૧૦ જવાન રસ્તામાં જ અચાનક ગાયબ થઈ ગયા હોવાની ઘટના બનતાં બીએસએફના અધિકારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી છે.અને અધિકારીઓએ આ અંગે ઉચ્ચ સ્તરે જાણ કરી છે.

આ ઘટનામાં બીએસએફનો એક જવાન વર્ધમાન સ્ટેશન પર અને અન્ય નવ જવાન ધનબાદ સ્ટેશન પર ગુમ થયા છે. તંત્રને આ ઘટનાની જાણ થતાં અધિકારીઓમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલે પ્લાટૂન કમાન્ડરોએ મુગલસરાય જીઆરપી મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મુગલસરાય જીઆરપીના પીએસઆઈ જિતેન્દ્રકુમાર યાદવે જણાવ્યું હતું કે બીએસએફનું એક ગ્રૂપ ગૂમ થઈ ગયા હોવાની પ્લાટૂન કમાન્ડરો દ્વારા જાણકારી મળી છે આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પશ્વિમ બંગાળના મુર્શિદાબાદથી ૮૩મી બંગાળ બટાલિયનના બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને લઈને સેનાની સ્પેશિયલ ટ્રેન જમ્મુ-કાશ્મીર માટે રવાના થઈ હતી. આ તમામ જવાનો જમ્મુ- કાશ્મીર ફરજ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેન વર્ધમાન સ્ટેશન પર રોકાઈ હતી.

ત્યારબાદ બીએસએફ દળનો એક જવાન ટ્રેનમાં જોવા મળ્યો ન હતો. ટ્રેન ત્યાંથી રવાના થયા બાદ ધનબાદ સ્ટેશન પર રોકાઈ હતી, ત્યા પણ બીએસએફ દળના વધુ નવ જવાન અચાનક ગાયબ થઈ જતાં બીએસએફના અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

ગાયબ થયેલા જવાનોની યાદીસેનાની સ્પેશિયલ ટ્રેનમાં જમ્મુ-કાશ્મીર જઈ રહેલા બીએસએફના જે ૧૦ જવાન રસ્તામાં જ ગાયબ થઈ ગયા છે તેમાં કૈલાશ કુમાર, દિપક કુમાર, દિપકસિંહ, અમિત કુમાર, ચૌવનસિંહ, અશ્વની કુમાર, રોહિત વર્મા અને ગોવિંદનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી છે.

You might also like