જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકીઓ સાથે અથડામણઃ એક જવાન શહીદ

જમ્મુ: ભારતીય સેનાએ પાકિસ્તાનના સાત સૈનિકોને ઠાર કર્યા બાદ પાકિસ્તાન તરફથી સતત બીજા દિવસે પણ જમ્મુ-કાશ્મીરના કેરી અને નૌશહરા સહિત અન્ય વિસ્તારો પર ગોળા બારૂદ ફેંકવામાં આવતાં હાલ આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. ત્યારે બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં આતંકવાદીઓ અને ભારતીય સેનાના જવાનો વચ્ચેની અથડામણમાં એક પોલીસ જવાન શહીદ થયો છે. જોકે આ વિસ્તારમાં હાલ કેટલા આતંકીઓ છુપાયા છે તે અંગે માહિતી મળી નથી. તેમજ પાક.સેનાએ પલ્લનવાલા સેકટર અને રાજૌરીના સુંદરબની સેકટરમાં એલઓસી પરની ચોકીઓ અને ગામો પર ફાયરિંગ કરી ફરી સીઝ ફાયરનો ભંગ કરતા આ વિસ્તારમાંથી 1500 લોકો સલામત સ્થળે ખસી ગયા છે.

જમ્મુના નાયબ પોલીસ કમિશનર સીમરનદીપ સિંહે જણાવ્યું કે પાકિસ્તાને સુંદરબની સેકટરમાં સવારે સાત વાગ્યાથી મોડી સાંજ સુધી નાના હથિયારો અને મોર્ટારથી હુમલા કર્યા હતા. આ ઉપરાંત પલ્લનવાલા અને જોગવાન ચોકી પર પણ આવો હુમલો કર્યો હતો. જ્યારે આ વિસ્તારની આસપાસના ગામોને પણ પાકિસ્તાની સેનાએ નિશાન બનાવી ફાયરિંગ હુમલો કર્યો હતો. જોકે ભારતીય સેનાએ પણ તેનો વળતો જવાબ આપ્યો હતો. ફાયરિંગમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. પરંતુ આ વિસ્તારના ગામોમાં રહેતા 1500 લોકો હિજરત કરી ગયા છે. તેમાથી 1254 લોકો ખૈરના રાધાસ્વામી આશ્રમમાં આશરો લઈ રહ્યા છે. આ ઉપરાંત અન્ય લોકો ખૈરની માધ્યમિક શાળામાં આશ્રય લઈ રહ્યા છે.

You might also like