બાવળા-સાણંદ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાતા એક યુવકનું મોત

અમદાવાદઃ બાવળા-સાણંદ ચાર રસ્તા નજીક ગઇ કાલે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અમદાવાદનાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાણંદ પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, સાણંદ સર્વોદય સોસાયટીમાં રહેતા પંકજભાઇ પટેલ વીડિયોગ્રાફીનું કામ કરે છે. ગઇ કાલે તેમની કાર લઇ તેમનાં અમદાવાદ ખાતે રહેતા મિત્ર શ્યામ શાહ સાથે બાવળા ગામમાં લગ્નપ્રસંગ નિમિત્તે વીડિયોગ્રાફી કરવા નીકળ્યાં હતાં.

તેઓ જ્યારે બાવળા-સાણંદ ચાર રસ્તા પહોંચ્યાં ત્યારે અમદાવાદ તરફથી એક કાર બેફામ ગતિએ આવી હતી અને અન્ય એક કાર સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં દરવાજો અંદરનાં ભાગે દબાઇ જતાં શ્યામને માથાનાં ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. જો કે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like