બિહારમાં મૌર્ય એક્સપ્રેસમાં રેલવેનો પાટો ઘૂસી જતાં એકનું મોતઃ બે ગંભીર

પટણા: બિહારના લખી સરાઈ નજીક પટણા-હાવરા મેઈન રેલવે લાઈનના કિઅુલ રેલવે જંકશન નજીક આજે સવારે અપ હટિયા- ગોરખપુર મૌર્ય એક્સપ્રેસ ટ્રેનને ગંભીર અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે ગંભીર ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર આ અકસ્માત ત્યારે સર્જાયો હતો જ્યારે કિઅુલ જંકશનની નજીક અપ લાઈનના કિનારે રાખેલી ૧૦ ફૂટ લાંબો રેલવેનો પાટો ટ્રેનમાં ઘૂસી ગયો હતો.

મૌર્ય એક્સપ્રેસ ટ્રેન જ્યારે મહેશલટ્ટા હોલ્ટની નજીક પસાર થઈ રહી હતી ત્યારે આ ટ્રેનમાં જોરદાર ધડાકો થયો હતો અને ૧૦ ફૂટ લાંબો પાટો તૂટીને જનરલ બોગીમાં ઘૂસી ગયો હતો. ધડાકાનો અવાજ સાંભળીને ટ્રેનમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે મૌર્ય એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાં રેલવેના પાટાનો ટુકડો ઘૂસી ગયો હતો. એક સમયે લોકોને એવું લાગ્યું હતું કે જાણે કોઈ નકસલી હુમલો થયો છે, કારણ કે નકસલીઓએ પહેલેથી જ બંધનું એલાન આપ્યું હતું. તેના કારણે સમગ્ર ટ્રેનમાં ડર અને ફફડાટ વ્યાપી ગયો હતો.

રેલવેના ૧૦ ફૂટ લાંબા પાટાનો ટુકડો જનરલ ડબ્બામાં ઘૂસી જતાં ડબાના દરવાજાની પાસે સિંગલ સીટ પર બેઠેલા એક શખસનું સ્થળ પર મોત થયું હતું. મૃત્યુ પામનાર પ્રવાસીની ઓળખ યુપીના આઝમગઢના મંગલ શેઠ તરીકે થઈ હતી. જ્યારે સકરૌલી, સહરસાના મૂકેશકુમાર અને સમસ્તીપુરના ત્રિદેવ સહાની ગંભીર રીતે ઘાયલ થયા હતા.

જોકે ટ્રેન એક મોટા અકસ્માતથી બચી ગઈ હતી. પોલીસે આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે બે પ્રવાસીઓની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાય છે. એટીએસની એક ટીમ પણ પટણાથી તિવુલ જવા રવાના થઈ ગઈ છે.

અકસ્માત થયા બાદ રાહત અને બચાવ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેલવે લાઈનને રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. મૌર્ય એક્સપ્રેસ ટ્રેનને કિઅુલ સ્ટેશને રવાના કરી હતી. વાસ્તવમાં આ એક ગંભીર ચૂકનો મામલો છે જો અકસ્માત મોટો થયો હોત તો સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હોત. રિપોર્ટ અનુસાર આ અકસ્માત બાદ ટ્રેનના પ્રવાસીઓએ સ્ટેશન પર પહોંચીને ભારે હંગામો મચાવ્યો હતો.

You might also like