ઇજનેરીમાં પ્રવેશ માટેની જેઈઈ મેઈન માટે ૧ ડિસેમ્બરથી રજિસ્ટ્રેશન

અમદાવાદ: ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ સંલગ્ન અમદાવાદ સહિતની રાજ્યભરની શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહ ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે ચોથા સેમેસ્ટરની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે ફરજિયાત એવી જોઇન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ(જેઇઇ) મેઇનની પરીક્ષાનો કાર્યક્રમ પણ હવે જાહેર થઈ ગયો છે. સીબીએસઇ બોર્ડ દ્વારા ૧ ડિસેમ્બરથી રજિસ્ટ્રેશન શરૂ થશે. ૩ એપ્રિલે ઓફલાઇન અને ૯, ૧૦ એપ્રિલે ઓનલાઇન એક્ઝામ લેવાશે. જેઇઇ પરીક્ષાનું ૩૧ ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ૧ માર્ચથી એડમિટ કાર્ડ ઇશ્યૂ થવાની શક્યતા છે.

બી.ઇ., બી.ટેક્. માટે પેપર ૧ અને બી.આર્ક., બી.પ્લાન માટે પેપર ૨ એમ બે પેપર લેવાશે. પેપર ૧માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સના એકસરખા ભારણવાળા વૈકલ્પિક પ્રશ્રપત્રો પૂછાશે.
જ્યારે પેપર ૨માં મેથ્સ ૧, એપ્ટિટયૂડ ટેસ્ટ ૨ના વૈકલ્પિક પ્રશ્રો પૂછાશે. વિદ્યાર્થી પેપર-૧માં ઓફલાઇન અને ઓનલાઇન એમ બન્ને પરીક્ષા આપી શકાશે. પેપર-૨ની પરીક્ષા માત્ર ઓફલાઇન પરીક્ષા જ આપી શકાશે. પેપર ૧ની ઓફલાઇન પરીક્ષા ૩ એપ્રિલે સવારે ૯.૩૦થી ૧૨.૩૦ વાગ્યા સુધી અને પેપર ૨ની ઓફલાઇન પરીક્ષા ૩ એપ્રિલે બપોરે ૨થી ૫ વાગ્યા સુધી લેવાશે. જ્યારે ઓનલાઇન પરીક્ષા ૯ અને ૧૦ એપ્રિલે બન્ને શિફ્ટમાં લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરની એનઆઇટી, ટેક્નિકલ કોલેજો, એન્જિનિયરિંગ કોલેજોમાં જેઇઇના મેરિટને આધારે પ્રવેશ ફાળવવામાં આવે છે. મેરિટમાં ધોરણ ૧૨ના પરિણામનું ૪૦ ટકા અને જેઇઇના ગણતરીમાં લેવાય છે. જેઇઇ મેઇન પરીક્ષા આપ્યા બાદ જે વિદ્યાર્થીએ આઇઆઇટીમાં પ્રવેશ લેવો હોય તેને માટે જેઇઇ એડવાન્સ પરીક્ષા આપવાની રહે છે.

You might also like