ભારતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ, રૂ.૧,૭ર૮ અબજની કમાણી

નવીદિલ્હી, બુધવાર
વર્ષ ર૦૧૭ ભારતમાં ટૂરિઝમ સેકટર માટે ખૂબ જ ફળદાયી સાબિત થયું. વીતેલાં વર્ષમાં ભારત આવનાર વિદેશી પર્યટકોની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઇ છે. તો બીજી તરફ તેમાંથી થતી આવક ૧૭ર૮ અબજ રૂપિયા સુધી પહોંચી ચૂકી છે. નવી પરિયોજનાઓ સાથે નવા વર્ષમાં આ સંખ્યા હજુ પણ વધે તેવી આશા છે.

કેન્દ્રીય પર્યટન પ્રધાન કે.જે.અલ્ફાન્ઝે કોચીમાં જણાવ્યું કે મને લાગે છે કે અમારું ક્ષેત્ર સારી રીતે કામ કરી રહ્યું છે, પરંતુ શું હું આ આંકડાથી ખુશ છું? હું આ સંખ્યાને ઝડપથી વધતી જોવા ઇચ્છું છું. કેમ કે ભારત એક અદભુત જગ્યા છે અને અમારી પાસે બધા માટે કંઇકને કંઇક છે. તેથી અમે પર્યટકોની સંખ્યા વધારવાની કોશિશ કરી રહ્યા છીએ.

પ્રધાને એમ પણ જણાવ્યું કે ભારતના જીડીપીમાં પર્યટન ક્ષેત્રનું ૬.૮૮ ટકા યોગદાન છે અને વર્ષ ર૦૧૭ના રોજગાર સાથે જોડાયેલ કુલ આંકડાઓમાં પણ ૧ર ટકા નોકરીઓ આ ક્ષેત્રમાં છે. પર્યટકોની સંખ્યામાં થયેલા વધારાથી પર્યટન પ્રતિ સ્પર્ધાત્મકતા સુચકાંકમાં પણ ભારતનું રેન્કિંગ પણ સુધર્યું છે. વર્ષ ર૦૧૩માં આ લિસ્ટમાં ભારત ૬પમા નંબરે હતું જે હવે ૪૦મા સ્થાને છે.

મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું કે આ સુધારા પાછળ સરકાર દ્વારા મજબૂત માળખા પર ધ્યાન કેન્દ્રીત કરવાની બાબત અને થીમ બેઇઝડ સ્વદેશ દર્શન યોજનાને પ્રોત્સાહન આપવાની બાબત કારણભૂત છે.

ર૦૧૭-૧૮માં આ યોજના હેઠળ ૧૧ યોજનાઓને મંજૂરી મળી છે જેથી યોજનાઓની સંખ્યા વધીને ૬૭ થઇ ગઇ છે. સરકાર હવે પૂર્વોત્તરના રાજ્યોમાં પણ પર્યટનને પ્રોત્સાહન આપવાની તૈયારી કરી રહી છે.

You might also like