મેક ઇન ઇન્ડિયા દ્વારા ૧.૨ લાખ કરોડનું રોકાણ આવ્યું

નવી દિલ્હી : ગયા વર્ષે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ લોંચ કરવામાં આવ્યા બાદથી હજુ સુધી ઇલેકટ્રોનિકસ મેન્યુફેકચરિંગ સેકટરમાં ૧.૨ લાખ કરોડનું જંગી રોકાણ આવી ચુકયુ છે. એક ટોપ સરકારી અધિકારી દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયા અભિયાન હાથ ધરવામાં આવ્યા બાદ દેશમાં બિઝનેસ કરવાની બાબત વધારે સરળ બની ગઇ છે.

મોદી સરકાર મેન્યુફેકચરિંગમાં વધુને વધુ રોકાણ કરવાની ઇચ્છા ધરાવે છે. દૂરસંચાર અને આઇટી મંત્રાલયના એડિશનલ સેક્રેટરી અજય કુમારે માહિતી આપતા કહ્યું હતું કે અમે દેશમાં ઇલેકટ્રોનિકસ મેન્યુફેકચરિંગ યુનિટ સ્થાપિત કરવા માટે હજુ સુધી ૧૨૦૦૦૦ કરોડના રોકાણની ઓફર મળી ચુકી છે. તેમના જણાવ્યા મુજબ આગામી વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૬માં આ આંકડામાં વધારો થઇ શકે છે.

કેન્દ્ર સરકારની યોજના વર્ષ ૨૦૨૦ સુધી ઇલેકટ્રોનિકસના નેટ ઇમ્પોર્ટ પર આધારિત છે. સાથે સાથે વર્ષ ૨૦૨૦ સુધી આ સેકટરમાં ૧૦૦ અબજ ડોલરના રોકાણ કરવાની યોજના છે. સાથે સાથે ૨.૮ કરોડ લોકો માટે રોજગારીની તકો ઉભી કરવાની પણ યોજના છે. કુમારે માહિતી આપતા કહ્યું છે કે સરકાર દ્વારા અનેક કંપનીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે.

આ તમામ કંપનીઓ દેશમાં પોતાના પ્રોડકશન યુનિટ શરૂ કરવાની ઇચ્છા ધરાવે છે. સેમસંગ, બોશ અને ફિલિપ્સ જેવી મહાકાય કંપનીઓ પણ આના માટે ઉત્સુક બનેલી છે. અન્ય મોટી કંપનીઓ પણ રોકાણ કરવાની યોજના ધરાવે છે.

ભારતમાં બિઝનેસ કરવાની બાબતને સરળ કરવાની વાતચીત ચાલી રહી છે. પહેલાની તુલનામાં સ્થિતિ વધારે સરળ પહેલાથી જ કરી દેવામાં આવી છે.

You might also like