૯૫૦ કરોડનું ફ્રોડઃ ફિફાના પૂર્વ ઉપાધ્યક્ષ પર આજીવન પ્રતિબંધ

ઝુરિચઃ ફિફાના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ જેક વોર્નર પર આજીવન પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે તેઓ ફૂટબોલ સાથે જોડાયેલી કોઈ પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં. ૭૨ વર્ષીય વોર્નર પર આ બેન ૨૫ સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયો છે. ફિફાના જણાવ્યા અનુસાર કેરેબિયન ફૂટબોલ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા વોર્નર ફિફા અને નોર્થ અમેરિકન ફૂટબોલ ફેડરેશનલ કોનકાકાફમાં વિભિન્ન હોદ્દાઓ પર રહીને પોતાની શક્તિઓનો દુરુપયોગ કરવા બદલ દોષી ઠર્યા છે.વોર્નર અમેરિકામાં અમેરિકામાં વર્તમાન ફિફા ભ્રષ્ટાચાર મામલા સાથે જોડાયેલા ૧૧ આરોપોનો સામનો કરી રહ્યા છે. આમાં વિશ્વાસઘાત રેકેટ ચલાવવું અને ફંડ્સની હેરાફેરીના આરોપ સામેલ છે. આખો મામલો રૂ. ૯૫૦ કરોડથી વધુ ગોટાળાના સાથે જોડાયેલો છે. વોર્નર પર આ આરોપ ૨૦૧૩માં ફિફાની ઇન્ટર્નલ કમિટીએ લગાવ્યો હતો. વોર્નર પોતાના દેશ ત્રિનિદાદ એન્ડ ટોબેગોમાં અમેરિકાને પ્રત્યાર્પિત કરવાની વિરુદ્ધમાં કાયદાકીય લડાઈ લડી રહ્યો છે, જેની સુનાવણી આગામી ડિસેમ્બરમાં થવાની છે.ફિફાના પ્રેસિડેન્ટ સેપ બ્લેટર અને ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ પ્લાટિની વિરુદ્ધ પણ ગુનાઈત તપાસ ચાલી રહી છે. બ્લેટર પર ફિફામાં નાણાકીય હેરફેર કરવા અને ૨૦૧૧માં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ પ્લાટિનીને ૧૩.૨ કરોડ રૂપિયાની ખોટી રીતે ચુકવણી કરવાનો આરોપ છે. તાજેતરમાં જ સ્વિટ્ઝર્લેન્ડના અટોર્ની જનરલના સ્ટાફે બ્લેટરની પૂછપરછ કરી હતી અને બ્લાટરની ઓફિસની તલાશી પણ લીધી હતી. ફિફા પ્રેસિડેન્ટની ચૂંટણી આગામી વર્ષે યોજાવાની છે. આ પદના ઉમેદવાર ચુંગ મોંગ જૂને બ્લાટર પર લગાવાયેલા આરોપો બાદ ગઈ કાલે એક તાકીદની બેઠક બોલાવી હતી. ફિફાના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ દક્ષિણ કોરિયાના મોંગ જૂએ કહ્યું કે ફિફાના નેતૃત્વ માટે વર્કિંગ કમિટી બનાવવી જોઈએ, જેથી ફિફા કોઈ સમસ્યા વિના પોતાનું કામ કરી શકે.ઉલ્લેખનીય છે કે આ વર્ષના મે મહિનામાં સ્વિટ્ઝર્લેન્ડના ઝુરિચમાં ફિફાના સાત અધિકારીઓની ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો પર રૂ. ૯૫૦ કરોડથી વધુની લાંચ લેવાનો અને નાણાકીય ગેરરીતિ આચરવાનો આરોપ હતો. ધરપકડ કરાયેલા અધિકારીઓ પર આરોપ હતો કે તેઓ અમેરિકામાં ફૂટબોલ ટૂર્નામેન્ટ્સના આયોજનમાં ગેરરીતિ આચરી રહ્યા હતા.
 
You might also like