૭૦૦ ગુજરાતી હાજીમાંથી મોટાભાગના લાપતા

વડોદરા : સાઉદી અરેબીયાના મક્કાની બહાર આવેલા મીના શહેરમાં શેતાનને કાંકરો મારવાની રસમ દરમિયાન મચેલી ભાગદોડમાં વડોદરાના મન્સુરી પરિવારના દંપતિ સહિત ત્રણ વ્યકિતઓનો આજે બપોર સુધી કોઇ સંપર્ક ન થતાં પરિવારજનો ચિંતાતૂર બની ગયા છે. આજે બકરી ઇદની નમાજમાં પરિવારજનોએ પરિવારના ત્રણે વ્યકિત સહિત વડોદરામાંથી હજ કરવા માટે ગયેલા તમામ હાજીઓ સલામત રહે તેવી અલ્લાહ સમક્ષ દુઆ ગુજારી હતી. જયારે મન્સુરી પરિવારના ઇરફાન મન્સુરીએ વડોદરાના હાજીઓ સાથે ગયેલા ટ્રાવેલ્સ માલિક સાથે મક્કા ખાતે થયેલી ટેલીફોનીક વાત અનુસાર જણાવ્યું હતું કે ગુજરાતમાંથી આશરે ૭૦૦ હાજીઓ અહીં આવ્યા છે. જેમાંથી મોટા ભાગના લોકો લાપતા છે. હોસ્પિટલમાં જવું મુશ્કેલી છે. હોસ્પિટલની બહાર લગાવવામાં આવેલી યાદીમાં મોટાભાગના નામ નથી. શોધખોળ ચાલી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના મોગલવાડા સ્થિત હાજી ગફફાર એપાર્ટમેન્ટના મકાન નંબર-૨૦૧માં રહેતા મહંમદ રફીક ગુલામ મહંમદ મન્સુરી (ઉ.૬૫) તેમની પત્ની સલમાબાનુ (ઉ.૬૦) અને મહંમદ રફીકના બહેન હસ્નાબાનુ મન્સુરી ગત તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ વડોદરાની તવક્કલ ટુર્સએન્ડ ટ્રાવેલ્સ અંતર્ગત પવિત્ર હજ યાત્રા કરવા માટે ગયા હતા. મન્સુરી પરિવારના ત્રણ વ્યકિતઓ સહિત ૩૩ લોકો આ ટ્રાવેલ્સ દ્વારા હજ કરવા ગયા છે.

વાડી તાઇવાડા ખાતે રહેતા અને હજ કરવા માટે ગયેલા મહંમદ રફીકભાઇ મન્સુરીના નાના ભાઇ સલીમભાઇ મન્સુરીએ વાતચીતમાં જણાવ્યું હતું કે મારા ભાઇ અને ભાભી હજ કરવા માટે ગયા ત્યારે હું તેમને મુકવા માટે ગયો હતો. ત્યારપછી કોઇ વાત થઇ નથી. ગુરૂવારે મીના શહેરમાં બનેલી ઘટનાની જાણ થતાં અમો ચિંતામાં મુકાઇ ગયા હતા. ભાઇ-ભાભીનો અને મારી બહેનનો કોઇ સંપર્ક થયો નથી. આજે બકરી ઇદના પાવન દિને અમારી અલ્લાહને એક જ પ્રાર્થના કરીએ છીએ કે અમારા પરિવારજનો સહિત વડોદરામાંથી ગયેલા તમામ હાજીઓ સહીસલામત હોય.

 

મેડીકલ સ્ટોર ધરાવતા મહંમદ ઇરફાન મન્સુરીએ જણાવ્યું હતું કે મારા પિતા મહંમદ રફીક મન્સુરી સરકારી પ્રેસમાં નોકરી કરતા હતા. ૩ વર્ષ પૂર્વે નિવૃત્ત થયા બાદ તેઓ અને મારી માતા ઉમરા કરવા માટે ગયા હતા. તે બાદ ગતા તા.૧૨મીના રોજ હજ કરવા માટે ગયા હતા. બુધવારે મીના શહેરમાં બનેલી ઘટના બાદ કોઇ સંપર્ક થઇ શકયો નથી.

You might also like