૬૦ વર્ષથી હનુમાન મંદિરના મહંતની સેવા કરતો મુસ્લિમ પરિવાર

લખનૌઃ હિંદુ મુસ્લિમ એકતાની મિસાલનું ઉત્તમ ઉદાહરણ લખનૌની એક ઘટના છે. રકાબગંજના મોહાન રોડ સ્થિત ભપતામઉ પાસે સિદ્ધેશ્વર હનુમાન મંદિર અાવેલું છે. મંદિરની સામે નાવેદ અરશદ રહે છે. મંદિરની સામે જ નાવેદના પિતા બાબુમિયાંના નામથી ઘંટી છે. તેના પહેલા માળે કેટલાક પરિવારો રહે છે. નાવેદ અરશદ મુસ્લિમ છે પરંતુ તે માનવતાને સૌથી મોટો ધર્મ માને છે. 

વડીલો પાસેથી તે જે વસ્તુ શીખ્યા છે તેને જીવી રહ્યા છે. તેમણે ક્યારેય મંદિર મસ્જિદમાં ફરક કર્યો નથી. તો ક્યારેય અલ્લાહ અને ભગવાનને અલગ ગણ્યા નથી. અા જ કારણ છે કે પેઢીઅોથી તેમનો પરિવાર સિદ્ધેશ્વર હનુમાન મંદિરના દરેક મહંતની સેવા કરે છે. મહંત માટે ભોજનની વ્યવસ્થા કર્યા બાદ જ તેમની દિનચર્યા પૂરી થાય છે. નાવેદના ઘરમાં અા ઘટના કેટલાક દિવસો કે મહિનાઅોથી નહીં પરંતુ ૬૦ વર્ષથી ચાલી રહી છે. તેઅો એકલા નથી તેમના ભાઈ અને સમગ્ર પરિવાર અા કોમી અેકતાની રાહ પર ચાલે છે. હિંદુ મુસ્લિમ એકતાની અા મિશાલ અા વિસ્તારના તમામ લોકોને અાકર્ષે છે.

નાવેદ કહે છે કે જે રીતે હું મસ્જિદમાં દાન કરું છું તે જ રીતે સિદ્ધેશ્વર હનુમાન મંદિરમાં સહયોગ કરું છું. મારા પિતા બાબુમિયાંઅે ક્યારેય બંને ધર્મમાં ફરક સમજાવ્યો નથી. તેમણે માત્ર ધર્મનું કામ ગણાવ્યું છે. પહેલા તેઅો મંદિરના મહંતને જરૂરિયાતની વસ્તુઅો અાપતા હતા. હવે હું અને મારો ભાઈ અા સિલસિલાને અાગળ વધારી રહ્યા છીઅે. લગભગ ૬૦ વર્ષથી અમે મંદિર સાથે જોડાયેલા છીઅે. 

મંદિરના મહંત શ્યામસુંદરદાસ પણ અા પરિવારના વ્યવહારથી અત્યંત પસંદ છે. તેઅો કહે છે કે પહેલા બાબુમિયાં મંદિરના મહંતની સેવા કરતા હતા. હવે તે જ રીતે તેમનાં બાળકો પણ મદદ કરી રહ્યા છે. મહંતે જણાવ્યું કે બાબુમિયાંના બંને પુત્ર નાવેદ અને સોયેબ મંદિરના દરેક કાર્યમાં અાગળ પડતા હોય છે. તેમની મદદના કારણે ક્યારેય અમારે ભૂખ્યા પેટે સૂવું પડતું નથી. 

બાબુમિયાંનાં બાળકો મંદિરના અાંગણામાં રમતાં રમતાં જ મોટાં થયાં છે. નાવેદ અને તેમનો પરિવાર જે રીતે પોતાના ધર્મનું સન્માન કરે છે તે જ રીતે મંદિર પ્રત્યે પણ તેમને લાગણી છે. મહંત શ્યામસુંદરદાસ પણ નાવેદ પાસેથી દાન લેવામાં બિલકુલ ખચકાતા નથી.

You might also like