૪ બિલ્ડર ગ્રૂપને ત્યાંથી વધુ ૧૦ લાખ, ૫ કિલો સોનું જપ્ત : ૩૦ લોકર સીલ

વડોદરા : વડોદરા શહેરના ચાર બિલ્ડર ગ્રુપને ત્યાં આવકવેરા વિભાગે શરૃ કરેલા દરોડાની કામગીરી આજે ત્રીજા દિવસે પૂર્ણ થઇ હતી. ત્રીજા દિવસે આ ચાર બિલ્ડર ગ્રુપ પાસેથી વધુ દોઢ કરોડનું પાંચ કિલો સોનાનો જથ્થો જપ્ત કર્યો હોવાનું જાણવા મળે છે. આ દરોડામાં દોઢ કરોડ રોકડા મળ્યા હતા તદુપરાંત આજે વધુ રૃા. દસ લાખ રોકડા અને દસ લોકરને સીલ માર્યા છે. જેથી આ દરોડા દરમિયાન કુલ ત્રીસ લોકરોને સીલ માર્યા હોવાનું બહાર આવ્યું છે. આજે મોડી રાત્રે કરોડો રૃપિયાનું કાળું નાણું ઝડપાયાની જાહેરાત આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવનાર છે.

અત્રે યાદ આપવું જરૃરી છે કે, શહેરના જાણીતા બિલ્ડર ગ્રૂપ પર છેલ્લા ત્રણ દિવસથી આવક વેરા વિભાગે આવક અને સંપત્તિને લગતા દરોડા પાડ્યા હતા. દરોડામાં ૧૦૦થી વધુ સભ્યોની વિવિધ ટીમો જોતરાઇ હતી. ચાલુ વર્ષમાં અત્યાર સુધીનું કહેવાતુ સૌથી મોટુ સર્ચ ઓપરેશન  આવકવેરા વિભાગે હાથ ધર્યું હતું.  આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડરોની ઓફિસ, ઘર, સાઇટ ઉપરાંત તેઓના ભાગીદારના ઘર સુધી તપાસ શરૃ થઇ હતી. જે આજે ત્રીજા દિવસે પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.બિલ્ડર ગ્રુપના માલિકો, ભાગીદારોને ત્યાં સંખ્યાબંધ ફાઇલો કબજે કરી અંદાજે ત્રીસ બેંક લોકરો સીલ કરી દેવામાં આવ્યા છે અને જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી શરૃ કરવામાં આવી છે.

આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,ચાર બિલ્ડર ગ્રુપની ઓફિસો, સાઇટ અને નિવાસસ્થાન મળી કુલ ૪૦ સ્થળોએ સમાંતર દરોડા પાડવામાં આવ્યા હતા. વડોદરા શહેરના ભાયલી, ગોત્રી, વાઘોડિયા તાલુકાના આમોદર, માંજલપુર, અટલાદરા, સૈયદવાસણા રોડ વિગેરે વિસ્તારમાં આવેલી ઓફિસો તેમજ સાઇટ ખાતે  ત્રીજા  પણ ચાળીસ સ્થળે તપાસ ચાલી રહી છે.

You might also like