૩ વર્ષ મને કોઇએ કામ નહોતું આપ્યુંઃ રીતેશ

રીતેશ દેશમુખે ફિલ્મ ‘એક વિલન’થી સાબિત કરી દીધું કે તે ગંભીર રોલ પણ કરી શકે છે, પરંતુ તેમાં કોઈ શક નથી કે કોમેડી તેનો કમ્ફર્ટ ઝોન રહ્યો છે. તાજેતરમાં તેની ‘બેંગિસ્તાન’ ફિલ્મ ફ્લોપ રહી. થોડા સમય પહેલાં રીતેશ પિતા બન્યો. અા પળને યાદ કરતાં તે કહે છે કે પુત્ર રિયાનનો જન્મ મારી જિંદગીની અવિસ્મરણીય પળ હતી. તે સમયે મેં મારા પિતાને ખૂબ જ યાદ કર્યા. જ્યારે તેઓ મહારાષ્ટ્રના સીએમ બન્યા તે પળ મારા માટે યાદગાર સાબિત થઈ હતી. મારા પુત્રની વાત કરું તો તેમાં મારા અંશને વધતો જોતાં મને કમાલનો અનુભવ થઈ રહ્યો હતો. હું સામાન્ય પિતાઓની જેમ મારા દીકરાને વોક પર લઈ જઉં છું અને ડાઇપર બદલું છું અને તેને સુવડાવવાનું કામ કરું છું.

પોતાની કરિયરની શરૂઅાતને યાદ કરતાં તે કહે છે કે છેલ્લાં ૧૦થી ૧૨ વર્ષમાં મારી કરિયરમાં મેં એક કમાલની અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી છે. મેં છેલ્લાં કેટલાંય વર્ષમાં તમામ જાણીતા કલાકારો પાસેથી ઘણું બધું શીખ્યું છે. અમિતજી, સલમાન, શાહરુખ, અક્ષય, સંજય દત્ત જેવા સિનિયર કલાકાર હોય કે પછી તુષાર, અાફતાબ, વિવેક, હર્ષદ, પુલકિત જેવા મારા સમકાલીન અભિનેતા હોય. હું દરેક પાસેથી કંઈક ને કંઈક શીખું છું. દસ વર્ષ પહેલાં મેં જ્યાંથી શરૂઅાત કરી હતી ત્યાંના કરતાં હું થોડો અાગળ વધી ગયો છું. શરૂઅાતનાં ત્રણ વર્ષ સુધી તો લોકો મારા નામની અાગળ એવું જ લખતા હતા કે હું સીએમનો પુત્ર છે, હીરો બનવા અાવ્યો છે. મારા માટે અા મુશ્કેલીભર્યો સમય હતો. ત્રણેક વર્ષ સુધી મને ખાસ કંઈ કામ મળતું ન હતું. ‘મસ્તી’, ‘ક્યા કૂલ હૈ હમ’, ‘બ્લફ માસ્ટર’ અને ‘માલામાલ વીકલી’ જેવી ફિલ્મો મારી કરિયરનો ટર્નિંગ પોઈન્ટ બની. 

 

You might also like