૩૦ VIPની સુરક્ષા પાછી ખેંચાઇ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયનાં આદેશથી ૩૦ જેટલા વીઆઈપીઓને મળતી કેન્દ્રીય સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે જેમાં પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે તેમની પત્ની ઉજવલા, પુત્રી પ્રણીતિ અને સ્મૃતિ, જમાઈ રાજ શ્રોફ, બે પૌત્રીઓ અને બે પ્રપૌત્રનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત પૂર્વ લોકસભાનાં સ્પીકર મીરાં કુમાર, ટુ-જી કૌભાંડ સાથે સંકળાયેલા પૂર્વ મંત્રી એ. રાજા, તેલંગણાનાં મુખ્યમંત્રી કે. ચન્દ્રશેખર રાવ, કેરળનાં રાજયપાલ, પૂર્વ ન્યાયધીશ પી. સદાશિવમ, મેઘલાયનાં પૂર્વ રાજયપાલ કે. કે. પોલ, જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ રાજયપાલ તથા એનએચઆરસીનાં ચેરપર્સન કે. જી. બાલાક્રિષ્નાનો પણ સમાવેશ થાય છે.

આ અંગે ૧૧ ઓગસ્ટનાં રોજ યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં આ ૩૦ વીઆઈપી કે જેમની કેન્દ્રીય સુરક્ષા પરત લેવામાં આવી તેમના નામો આપવામાં આવ્યા હતા. આ યાદીની નકલ જે-તે રાજય સરકાર સીઆરપીએફ, સીઆઈએસએફ, આઈટીબીપી અને એનએસજીને મોકલવામાં આવી છે.

જુલાઈ મહિનામાં યોજાયેલી સુરક્ષા વિભાગ સમિતિની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ હતી. જેમાં વીઆઈપી યાદીમાં સામેલ લોકોની સુરક્ષા પરત ખેંચવા અંગે નિર્ણય લેવાયો હતો. આ યાદીમાં નવીન જિંદાલ, અબ્દુલ રશીદ સહિન, સુબોધકાંત સહાય, સુમન મહાંતો, આર. કે. ધવન, ટી.કે.એ નૈર, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનાં પ્રિન્સિપલ સેક્રેટરીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પૂર્વ મંત્રીઓ વી.નારાયણ સ્વામી, જિતીન પ્રસાદ, પૂર્વ સોલિસિટર જનરલ સુબ્રમણ્યમ, ન્યાયધીશ જે. આર. મીધા, ન્યાયધીશ બી. એસ. ચૌહાણ,ન્યાયધીશ ડી. કે. જૈન, એનએચઆરસી સભ્ય સત્યબ્રતા પાલ, મણિપુરનાં પૂર્વ રાજયપાલનાં પુત્ર સુનિલ વી.નારાયણસ્વામીની પુત્રવધૂ યમુના, પૂર્વ હોમ સેક્રેટરી અનિલ ગોસ્વામી અને પૂર્વ કેબિનેટ સેક્રેટરી અજીત શેડનો સમાવેશ થાય છે.

You might also like