૨૦૧૯ના ક્રિકેટ વર્લ્ડકપમાં રમવું મારું સપનુંઃ શ્રીસંત

કોચીઃ આઇપીએલ ફિક્સિંગમાં તાજેતરમાં કોર્ટે નિર્દોષ જાહેર થયા બાદ એસ. શ્રીસંત બહુ જ ખુશ છે. તે ફરીથી ક્રિકેટના મેદાન પર પાછો ફરવા માગે છે અને તેણે ૨૦૧૯ના વર્લ્ડકપમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કેરળના આ ૩૨ વર્ષીય ક્રિકેટરે કહ્યું કે હું કેરળનો ફક્ત બીજો ખેલાડી છું, જેણે વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હોય. મેદાન પર પાછા ફરવા અંગે શ્રીસંતે કહ્યું કે, ”કોર્ટે મને દરેક આરોપમાંથી મુક્ત કરી દીધો છે. મેં પ્રેક્ટિસ શરૂ કરી છે અને હજુ હું ૨૦ ટકા ફિટ છું. હાલમાં હું ફિટનેસ પર કામ કરી રહ્યો છું. હું બીસીસીઆઇને અનુરોધ કરું છું કે મને ક્લબ લેવલમાં રમવાની મંજૂરી આપે.” ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇએ સ્પોટ ફિક્સિંગનો મામલો સામે આવ્યા બાદથી શ્રીસંત, અજિત ચંદિલા અને અંકિત ચવ્હાણ પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકાયા બાદ પણ બોર્ડે કહ્યું કે ત્રણેય ખેલાડીઓ પરથી પ્રતિબંધ નહીં હટાવાય.

You might also like