૧૫ ઓગસ્ટ પહેલાં રેલટ્રેક ફૂંકી મારવાનું કાવતરું નિષ્ફળ

કોકરાઝારઃ ૧૫ ઓગસ્ટ પૂર્વે અત્રે ત્રાસવાદીઓનું એક મોટું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. ગુવાહાટી અને કોકરાઝાર વચ્ચે રેલવે ટ્રેક પર આઈઆઈડી (ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) ગોઠવવાનો પ્રયાસ કરી રહેલ કમતાપુર લિબ્રેશન ઓર્ગેનાઈઝેશનના એક ત્રાસવાદીને લશ્કર અને પોલીસના જવાનોએ ઠાર માર્યો હતો.

પોલીસને આ ત્રાસવાદી પાસેથી એક પિસ્તોલ, કારતૂસો, બે હેન્ડ ગ્રેનેડ અને સાત આઈઆઈડી તેમજ ડિટોનેટર્સ પ્રાપ્ત થયા છે. સુરક્ષાકર્મીઓએ સાત કિલો વિસ્ફોટકો પણ જપ્ત કર્યા છે. જો ત્રાસવાદી આ આઈઆઈડી ગોઠવવામાં સફળ રહ્યો હોત તો મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ શકી હોત, પરંતુ પોલીસ અને સુરક્ષાદળોની સમયસૂચકતાને કારણે આ કાવતરું નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે.

આ અગાઉ ૨૭મી ફેબ્રુઆરી – ૨૦૧૫ના રોજ ભારતીય લશ્કરે આસામના ગોપાલપાળાના દુધનિયામાં એક આવું જ કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું. રેલવે ટ્રેક પર ગોઠવવામાં આવેલ ૧૦ કિલો આઈઆઈડીને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યું હતું. આ કાવતરા પાછળ યુનાઈટેડ લિબ્રેશન ફ્રંટ ઓફ આસામના ત્રાસવાદીઓનો હાથ હોવાનું જણાવાય છે. વિસ્ફોટકોમાં આરડીએક્સ અને ટીએનટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

You might also like