૧૫થી ૨૦ આતંકવાદીઓ પંજાબમાં ઘૂસ્યાનો અહેવાલ

નવી દિલ્હી : પંજાબમાં ૧૫થી ૨૦ આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના અહેવાલ સૂત્રો મુજબ મળ્યા હતા. અહેવાલ મુજબ આ તમામ આતંકીઓને પાકિસ્તાનની આઈએસઆઈ દ્વારા તાલીમ મળી છે. તેમને દિલ્હી, પંજાબ અને દેશના બીજા ભાગોમાં આતંકી હુમલા કરવાના હેતુથી મોકલવામાં આવ્યા છે. આ તમામ આતંકીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અને પાકિસ્તાનના રસ્તે ભારતમાં ઘૂસ્યા છે.

ગુપ્તચર અહેવાલ મુજબ જેહાદી અને સિખ ઉગ્રવાદી સંગઠનો સાથે આઈએસઆઈના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ સંભવિત હુમલા માટે આઈએસઆઈએ તેમને નાણાં પણ આપ્યા હોવાનું કહેવાય છે. આ આતંકવાદીઓ લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદીન તેમજ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બીકેઆઈ) અને ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (કેઝેડએફ)ના હોવાનું મનાય છે.  

તેમને સરહદપારના આતંકી કેમ્પોમાં શસ્ત્રો અને દારુગોળાના ઉપયોગની જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદની મદદથી પીઓકેમાં અલગ અલગ સ્થળોએ તાલીમ આપવામાં આવી છે. જમ્મુ-કાશમીરના સત્તાવાળા, રાજ્યમાં રહેલા લશ્કર અને કેન્દ્રીય દળોને આ માહિતી ગઈ ૨૪મી સપ્ટેમ્બરે અપાઈ હતી. પંજાબ સરકાર, રાજ્યમાંના બીએસએફ, સીઆરપીએફ એકમોને ૨૬મી સપ્ટેમ્બરે આ માહિતી આપતાં જે આતંકીઓએ તાલીમ લીધી હતી તેમાંથી કેટલાંકને સિખ પરંપરાથી ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (કેઝેડએફ)ના રણજિતસિંહ ઉર્ફે નીતા દ્વારા વાકેફ કરાયા હતા. તેમને પંજાબની ભૌગોલિક સ્થિતિની પણ વિગતો અપાઈ હતી. 

ગુપ્તચર એજન્સીના જણાવ્યા મુજબ આ હુમલા કરવા માટે ઉપયોગમાં લેવાના શસ્ત્રો અને દારુગોળાને પંજાબ તરફ જતી ટ્રકોની ચેસીસમાં રહેલી ખાલી જગ્યામાં છુપાવીને જમ્મુ-કાશ્મીર તરફથી મોકલવામાં આવે તેવી શક્યતા છે.  

You might also like