૧૧ ભારતીય શ્રીલંકામાં ટેસ્ટ ક્રિકેટ રમ્યા નથી

કોલંબોઃ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા હાલ શ્રીલંકામાં છે. ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમતાં પહેલાં આજથી ટીમ ઇન્ડિયા ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. ૧૫ સભ્યોની ભારતીય ટીમમાંથી ફક્ત ચાર ક્રિકેટર ઓપનર મુરલી વિજય, હરભજનસિંહ, અમિત મિશ્રા અને ઈશાંત શર્માને જ શ્રીલંકામાં ટેસ્ટ ક્રિકેટ રમવાનો અનુભવ છે એટલે સુધી કે કેપ્ટન વિરાટ કોહલી પણ શ્રીલંકામાં પોતાની પહેલી ટેસ્ટ રમશે.નવા કેપ્ટન વિરાટની આ પહેલી મોટી પરીક્ષા માનવામાં આવી રહી છે. જ્યારથી તે ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો છે, તેના પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. કોહલીની ટીમમાં મોટા ભાગના યુવાન ખેલાડીઓ છે અને ૧૧ ક્રિકેટર પહેલી વાર આ પાડોશી દેશમાં ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઊતરશે. આજથી શરૂ થયેલી પ્રેક્ટિસ મેચમાં કોહલી ઉપરાંત ટીમના અન્ય બેટ્સમેન મુરલી વિજય, લોકેશ રાહુલ, શિખર ધવન, અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા પ્રથમ ટેસ્ટ પહેલાં શ્રીલંકાની પીચના મિજાજને ઓળખવાની કોશિશ કરશે. આ અગાઉ ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા પહોંચ્યાના ૨૪ કલાકમાં જ નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. નવા કેપ્ટન વિરાટ કોહલીના ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડીઓ માટે શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણીનો નવો અનુભવ હશે. ભારતની આ યંગ બ્રિગેડના બેટ્સમેનો પર મોટી જવાબદારી છે, કારણ કે કેપ્ટન કોહલી અગાઉ જ સ્પષ્ટ કરી ચૂક્યો છે કે તે પાંચ બોલર્સ સાથે મેદાનમાં ઊતરશે. સ્પષ્ટ છે કે આનાથી છ નિષ્ણાત બેટ્સમેનોને શ્રેષ્ઠ દેખાવ કરવો પડશે.
પડકાર એ પણ છે કે શ્રીલંકામાં વન ડે અને ટી-૨૦માં ઘણી મેચ રમી ચૂકેલા વિરાટ અને રોહિતે અહીં ટેસ્ટ રમી નથી. આ ઉપરાંત ચેતેશ્વર પૂજારા, શિખર ધવન, વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સહા અને લોકેશ રાહુલ પણ ટેસ્ટ શ્રેણી માટેની ટીમમાં સામેલ છે.કેપ્ટન તરીકે પોતાની પહેલી સંપૂર્ણ ટેસ્ટ શ્રેણી રમી રહેલો કોહલી ૧૫ વન ડે મેચમાં શ્રીલંકામાં બે સદી ફટકારી ચૂક્યો છે. પોતાની પહેલી બે ટેસ્ટ મેચમાં સદી ફટકારનારા રોહિત સામે પણ શ્રીલંકા શ્રેણી એક મોટો પડકાર છે. વન ડેનાે શાનદાર બેટ્સમેન રોહિત શર્મા ટેસ્ટ ફોર્મેટમાં ખાસ કંઈ ઉકાળી શક્યો નથી. શ્રીલંકાની પીચ પણ તેને વધુ માફક આવતી નથી. રોહિતે શ્રીલંકા વિરુદ્ધ ૧૮ વન ડેમાં ફક્ત ૨૫૫ રન જ બનાવ્યા છે. અજિંક્ય રહાણે પણ શ્રીલંકામાં આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે, પરંતુ આ દેશમાં ટેસ્ટ રમવાનો તેની પાસે પૂરતો અનુભવ નથી.
 

You might also like