Categories: News

હ્યુમન ટ્રાફિકિંગ: જીવતા માનવીની સોદાબાજી

આપણે ત્યાં રોજેરોજ શાળાએ જતું કે રમતું બાળક ગુમ થયાના, નોકરીએ કે બજાર ગયેલી યુવતી-બાળા-મહિલા ગુમ થયાના અને કામ માટે બહાર નીકળેલા યુવાન-પુરુષ ગુમ થયાના અનેક સમાચાર અખબારોમાં જોવા મળે છે. આ ઘટનાઓમાં ગુમ થયેલાં મોટાભાગનાં લોકો હ્યુમન ટ્રાફિકિંગનો ભોગ બન્યાં હોય છે. હ્યુમન ટ્રાફિકિંગ એટલે કે લોકોને ભોળવીને ગુલામ બનાવીને દાણચોરી, સેક્સવર્ક, મજૂરી વગેરે કરાવવાનો ઘૃણાસ્પદ કારોબાર. તેનું પાશવી સ્વરૂપ જાતઅનુભવ વિના ભાગ્યે જ સમજી શકાય એવું છે. ચાલો એનો તાગ મેળવવાનો પ્રયાસ કરીએ…

હ્યુમન ટ્રાફિકિંગ એટલે માનવોની ગેરકાયદે હેરફેર. તેને આપણે માનવ શરીરની દાણચોરી પણ કહી શકીએ. આ પ્રવૃત્તિ ગેરકાયદે એટલા માટે છે કે તેમાં માણસોને તેમની મરજી વિરુદ્ધ અથવા તેમની જાણ બહાર એવા સ્થળે લઈ જવાય છે જ્યાં તેમની પાસે ગુલામની જેમ કામ લઈ શકાય. સદીઓ જૂની ગુલામી પ્રથાનું આ વધુ વ્યવસ્થિત અને વધુ પાશવી સ્વરૂપ છે. 

જ્યાં સુધી આપણી આસપાસનું કોઈ હ્યુમન ટ્રાફિકિંગમાં સપડાય નહીં અને તેની તથા તેના આપ્તજનોની કરુણકથની જાણીએ નહીં ત્યાં સુધી આ પીડા સમજી શકાય તેમ નથી. આપણું કોઈ આપ્તજન આમાં ન સપડાય એવી પ્રાર્થના સાથે જાણવાનો પ્રયાસ કરીએ કે, ખરેખર હ્યુમન ટ્રાફિકિંગ કયા રાક્ષસનું નામ છે, તેનું સ્વરૂપ કેવું છે અને તેનો ત્રાસ કેવો છે…(આ અહેવાલમાં રજૂ કરવામાં આવેલી તમામ આપવીતીનાં પાત્રોની સુરક્ષા અને આબરૂની જાળવણી માટે તેમનાં નામ બદલવામાં આવ્યાં છે).

શરૂઆત આપવીતીથીગુજરાતના ખેરાલુ ગામની એક યુવતી ખેરાલુના પોલીસ મથકે તે હાંફળીફાંફળી દોડી આવી અને કહ્યું, ‘મને બચાવી લો, પ્લીઝ! હું માંડ માંડ એક નરાધમની કેદમાંથી ભાગી છું.’ પોલીસ અધિકારીએ શાંત થઈને આખી વાત કહેવા સૂચન કર્યું. યુવતીએ થોડી વાર નિરાંતના શ્વાસ લઈ, પાણી પીને કહ્યું, ‘સાહેબ મારું નામ રોહિણી છે. ઝારખંડની વતની છું, મારા પિતાને ટીબી થયો હોવાથી કામ કરી શકતા નથી. પરિવારનું ગુજરાન મારો ભાઈ ચલાવતો હતો. ત્યારે અમે સુખી હતા, પરંતુ ભાઈ દારૂની લતમાં માંદો પડી મૃત્યુ પામ્યો. એ પછી મારે માતા સાથે ખેતમજૂરી કરવા જવું પડતું હતું ત્યારે માંડ ખાવા જોગું મળી રહેતું હતું, પરંતુ પિતાની માંદગીનો સરખો ઇલાજ પણ કરાવી શકાય એમ નહોતો.

પાડોશીના સંબંધી બહેને લલચાવી‘આમ ને આમ ચાર વર્ષ વીતી ગયાં. એક દિવસ પાડોશમાં રહેતાં શારદામાસીને ત્યાં તેમના સંબંધી રેખાબહેન આવ્યાં. શારદામાસી સાથે તે અમારે ઘેર આવ્યાં અને મને કહ્યું, ‘શારદા પાસેથી તારી વાત જાણી. ખૂબ દુઃખ થયું. જીવતર આમ જ ઘસી ન કાઢવું હોય અને તારો તથા તારા પરિવારનો ઉદ્ધાર કરવો હોય તો મારી સાથે ચાલ. શહેરમાં તારા જેવી યુવા છોકરીઓને સારા પગારમાં નોકરી મળી જાય છે. હું તને સારા પગારની નોકરી અપાવીશ.’ પાઈ પાઈ માટે પરવશ સ્થિતિમાં હતી એટલે આ વાત કરનાર રેખાબહેન કોઈ દેવદૂત જેવા લાગ્યા. માતાને વાત કરી રેખાબહેન સાથે શહેર આવવા અમે ટ્રેનમાં બેસી ગયાં.

‘મુંબઈ રેલવે સ્ટેશને અમને લેવા આવેલાં બહેન સાથે રેખાબહેને ઓળખાણ કરાવી. આ કાકુ જ આપણને રહેવાની જગ્યા આપશે અને નોકરીની વ્યવસ્થા પણ કરશે. અમે કાકુબહેન સાથે મીરા રોડ વિસ્તારમાં એક ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યાં. કાકુબહેને ભોજન પછી કહ્યું, ‘તારી નોકરી માટે સવારે તારે જવાનું છે. સવારે બે પુરુષો આવ્યા. કાકુબહેને કહ્યું, ‘તારી નોકરી ગુજરાતમાં નક્કી થઈ છે, તારે આજે આ સાબિદ અને સરજુ સાથે ગુજરાત જવા માટે રવાના થવું પડશે.’ 

‘અમે ટ્રેનમાં બેસી સુરત પહોંચી ગયાં. અહીં સાબિદ-સરજુએ મને ગીતાનો પરિચય કરાવ્યો. એમણે કહ્યું, ગીતા સાથે જા. ગીતા મને સુરત શહેર નજીક સચિન નામના વિસ્તારમાં એના ઘરે લઈ ગઈ. સાંજ પડતાં સાહિલ અન્સારી અને જીવણ નામના માણસો આવ્યા. રાત્રિના સમયે એ બંનેએ મને પથારીમાં બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર પછી તે લોકોએ મારી આંખે પાટો બાંધી દીધો અને મને કારમાં બેસાડી દીધી.

ઓરડીમાં કેદ કરી દીધી‘લગભગ પાંચેક કલાકની મુસાફરી બાદ મને કારમાંથી ઉતારી ઓરડામાં લઈ ગયા. અહીં મારો પાટો ખોલી દેવામાં આવ્યો, ઓરડીને બહારથી તાળું મારી એ લોકો જતા રહ્યા. હું ઓરડીમાં પુરાઈ રહેતી, ગમે ત્યારે જુદી જુદી વ્યક્તિ આવી મારી સાથે બળાત્કાર કરતી હતી. આમને આમ શી ખબર કેટલા દિવસ ગયા. એ પછી ફરી કારમાં નાંખી બીજી જગ્યાએ લઈ જવાઈ. ત્યાં મને એક ઘરમાં લઈ ગયા પછી મને ખબર પડી કે, હું મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં છું. આ ઘર ભુરાભાઈ નામના માણસનું છે, એણે મને ચાર લાખ રૂપિયામાં ખરીદી છે. એ ઘરમાં સાતેક દિવસ હું રહી, રોજેરોજ મનફાવે ત્યારે એ માણસ મારી સાથે કુકર્મ કરતો. મેં તેની સાથે માયાળું વર્તન કરવા માંડ્યું. તેથી એ મારા માટે નચિંત બન્યો. આજે મોકો મળતાં હું ત્યાંથી ભાગીને આપની પાસે આવી છું.’

આ અંગે ખેરાલુ પોલીસ સ્ટેશનના સીપીઆઇ એમ.એચ.વાઘેલા કહે છે, ‘આરોપીના સકંજામાંથી ભાગી આવેલી યુવતીની વાત જાણ્યા પછી તાત્કાલિક જવાનોને મોકલી ભુરા ઠાકોરની ધરપકડ કરી. યુવતીની મેડિકલ તપાસ બાદ તેને અમદાવાદના મહિલા સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી. ભુરા ઠાકોરની ઊલટતપાસમાં અમદાવાદના સાહિલ અને જીવણનું નામ-સરનામું જાણવા મળ્યું. તરત જ એક ટીમ અમદાવાદ મોકલીને આ બંનેની ધરપકડ કરી લીધી. એમની પાસેથી તેમના મુંબઈના સાથીદારો વિશે જાણકારી મેળવી હ્યુમન ટ્રાફિકિંગ કરતી આખી ગેન્ગ ઝડપી લીધી. યુવતી રોહિણીને ઝારખંડમાં તેના વતન લાતેહાર મોકલી દીધી. અત્યારે તે ઝારખંડની સ્થાનિક સંસ્થામાં કામ કરે છે. ત્યાંની ગરીબ યુવતીઓને પોતાની જેમ લાલચ આપી લઈ જવાની છે એવી જાણ થતાં જ પહોંચી જાય છે અને પોતાની આપવીતી કહીને એમને રોકી દે છે.’

અનેક પ્રકારના હ્યુમન ટ્રાફિકિંગની સમસ્યા આમ તો વિશ્વવ્યાપી છે. એટલે યુનિસેફ દ્વારા એનો અભ્યાસ કરાવીને કયા દેશમાં હ્યુમન ટ્રાફિકિંગ કેટલું થાય છે એ તપાસવામાં આવ્યું છે. અમેરિકાએ ટ્રાફિકિંગનો ભોગ બનેલાના આંકડાઓના આધારે ટ્રાફિકિંગ ઇન પર્સન (ટીઆઈપી)ની યાદી બનાવી છે. તેમાં આંકડાના આધારે દેશોને ટિયર-થ્રી, ટિયર-ટુ અને ટિયર-વન એમ જુદા જુદા તબક્કામાં વહેંચ્યા છે. આ યાદીમાં ભારતનું સ્થાન ટિયર-ટુમાં આવે છે.

ભીષણ ગરીબી તેમને લપસાવે છેઆ અહેવાલમાં જણાવ્યા મુજબ ભારતમાં સ્ત્રી-પુરુષ અને બાળકોનું ટ્રાફિકિંગ ખૂબ વધી રહ્યું છે. તેનો ભોગ બનનારામાં ૯૦ ટકા દેશના જ લોકો હોય છે. માત્ર ૧૦ ટકા લોકો વિદેશી હોય છે. તે મોટાભાગે નેપાળ, ભુતાન અને બાંગ્લાદેશનાં લોકો હોય છે. આ દેશોમાંથી ભીષણ ગરીબીમાં સબડતી ૯થી ૧૪ વર્ષની છોકરીઓને સારી નોકરી અને વધુ કમાણીની લાલચ આપી ગેરકાયદેસર કોલકાતા, મુંબઈ કે દિલ્હી જેવાં શહેરોમાં લાવવામાં આવે છે. ઘણીખરી છોકરીઓને તો માતા-પિતા કે પરિવારજનો જ વેચી દે છે.

દેશમાં ચાલતાં હ્યુમન ટ્રાફિકિંગમાં પણ ઉત્તર-પૂર્વ અને દક્ષિણનાં રાજ્યોમાંથી ભીષણ ગરીબીમાં ભીંસાતા પરિવારનાં બાળકોને જ સારા ભવિષ્યના નામે આ દૂષણમાં ખેંચી લાવવામાં આવે છે. છોકરીઓ વેશ્યાવૃત્તિમાં તો છોકરાઓ મોટા ભાગે કોલસાની ખાણ, ઈંટવાડા, હેન્ડલૂમ્સ, ભરતકામ, રાઇસમિલ્સ અને ખેતમજૂરીમાં જોતરી દેવામાં આવે છે. અહીં રોજની ૧૬ કલાકની મજૂરીના બદલામાં એમને બે ટંક ખાવાનું અને નહીં જેવા પૈસા મળે છે. કેટલાકને તો એ પણ નથી મળતાં. આ છોકરાઓનું જાતીય શોષણ પણ થાય છે અને સહકાર ન આપનારને ભૂખ તથા માર વેઠવાના થાય છે. આમાંના કોઈ પણ કામમાં છોકરાની મરજી જરાય ચાલતી નથી, તે ગુલામ તરીકે જ જીવે છે.

વર્ષે ૧૧,૦૦૦ બાળકો પાછાં ફરતાં નથીભારતના ‘નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન’ના આંકડા મુજબ ભારતમાં દર વર્ષે ૪૦,૦૦૦ બાળકો ગુમ થાય છે, એમાંના ૧૧,૦૦૦ બાળકો કદી પાછાં ફરતાં નથી. 

સ્થિતિ એવી છે કે, દક્ષિણ ભારતનાં  ચાર રાજ્યોમાં દર વર્ષે હ્યુમન ટ્રાફિકિંગના ૩૦૦ કેસ નોંધાય છે. પશ્ચિમ બંગાળ અને બિહારમાં દર વર્ષે ૧૦૦ કેસ નોંધાય છે. દેશમાં ઝારખંડ રાજ્યમાંથી સૌથી વધુ લોકો હ્યુમન ટ્રાફિકિંગનો ભોગ બને છે. બીજા નંબરે નેપાળ અને ત્રીજા નંબરે કર્ણાટક આવે છે. ગૃહ વિભાગના આંકડા મુજબ છેલ્લાં ચાર વર્ષમાં હ્યુમન ટ્રાફિકિંગના તામિળનાડુમાં ૨,૨૪૪, આન્ધ્ર પ્રદેશમાં ૨,૧૫૭ અને કર્ણાટકમાં ૧,૩૭૯ કેસ નોંધાયા છે.

માનવોની દાણચોરી વધવાનું મુખ્ય કારણ ‘માગ અને પુરવઠા’નું કહેવામાં આવે છે. વધુ ને વધુ પુરુષો પૂરતું રળવા માટે મોટાં શહેરોમાં નોકરી, વ્યવસાય કરવા આવતા જાય છે. પરિવારથી દૂર આ પુરુષોને સેક્સની તાતી જરૂર વર્તાય છે. એ માગને સંતોષવા હ્યુમન ટ્રાફિકિંગની પાશવી સિસ્ટમ છોકરીઓને ભોળવીને આમાં તાણી લાવે છે.

કેટલીક એનજીઓના અંદાજ મુજબ દર વર્ષે ૧૨,૦૦૦થી ૫૦,૦૦૦ મહિલાઓ અને બાળકો હ્યુમન ટ્રાફિકનો ભોગ બની ભારતમાં આવે છે. આશરે ૩,૦૦,૦૦૦ બાળકો ભીખ માગવાની પ્રવૃત્તિમાં સબડી રહ્યા છે. મોટી સંખ્યામાં બાળકો જાતજાતના ઉદ્યોગોમાં ગુલામ તરીકે કામ કરી રહ્યા છે. 

આ પ્રવત્તિમાં કમાણીની લાલચ એટલી બધી છે કે, જાતજાતના ઓથા હેઠળ પાર વિનાનાં લોકો હ્યુમન ટ્રાફિકિંગમાં જોડાતાં જ રહે છે. આપણને કલ્પના પણ ન આવે એ રીતે આપણી વચ્ચે જ હ્યુમન ટ્રાફિકિંગની પ્રવૃત્તિ ચાલતી હોય છે. 

આપણી આસપાસ જ ચાલે છેઅમદાવાદના મેઘાણીનગરમાં રહેતી ૧૬ વર્ષની નિશા લગ્ન માટે મુરતિયો શોધતી હતી. તેને લક્ષ્મી મકવાણા અને રંજન મકવાણા નામની મહિલાઓએ લગ્ન માટે યુવકો બતાવવાની વાત કરી. તેઓ નિશાને ઓઢવમાં રિક્ષા ચલાવતા કલ્પેશ પટેલ પાસે લઈ ગયા. નિશાને કલ્પેશ પસંદ ન પડ્યો ત્યારે એ મહિલાઓએ કહ્યું, ‘ચાલ, બીજો એક યુવાન પણ અમારી ઓળખાણમાં છે, તેની સાથે મુલાકાત કરી લે. જો, તને પસંદ આવે તો ઠીક છે. નહિતર બીજા યુવાનો શોધીશું.’ ત્રણેય  કલ્પેશની રિક્ષામાં બેઠા. થોડી વાર પછી રિક્ષા એક ઘર પાસે ઊભી રહી. એ ઘર કલ્પેશના મિત્ર બચુ ઠાકોરનું હતું. નિશાને અહીં મૂકીને લક્ષ્મી અને રંજન બંને જતી રહી. નિશાને બળજબરીથી રોકી દેવામાં આવી. કલ્પેશ અને બચુ ઠાકોરે નિશા પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો. પંદર દિવસ પછી બેચરાજીનાં યુવક સાથે એક લાખ રૂપિયામાં નિશાના લગ્નનો સોદો કરવામાં આવ્યો. આ સોદો પાર પડે એ પહેલાં પોલીસને કોઈએ બચુ ઠાકોરને ત્યાં કોઈ યુવતી શંકાસ્પદ રીતે રહેતી હોવાની બાતમી આપી. પોલીસે રેડ કરી નિશા તથા બચુ ઠાકોરને ઝડપી લીધાં.

તરુણીઓનું લગ્ન માટે વેચાણ બેચરાજી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે. ભાટિયા કહે છે, ‘આ ગેન્ગ અમદાવાદના રખિયાલ, ઓઢવ વિસ્તારની ગરીબ યુવતીઓને પૈસાદાર યુવક સાથે લગ્ન કરાવવાની લાલચ આપી યુવતીઓને પોતાની સાથે લઈ જતી અને ૪૦ હજારથી માંડીને ચાર લાખ સુધીની રકમમાં વેચી દેતી હતી. ગુજરાતનાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લા ઉપરાંત ભારતનાં અન્ય રાજ્યમાં યુવતીઓનું હ્યુમન ટ્રાફિકિંગ આ ગેન્ગ દ્વારા કરવામાં આવતું હતું.’

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના મોતીપુરા નામના ગામમાં રહેતી શબાના નામની યુવતીની ગરીબી અને લાચારીનો ફાયદો ઉઠાવીને તેને લગ્નના નામે સિદ્ધપુરના રહેવાસી કેશા રવજી ઠાકોરને ૫૪ હજાર રૂપિયામાં વેચવામાં આવી હતી. વાલીઓએ આ છોકરી ગુમ થતાં પોલીસમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસમાં આ કેસ પકડાયો હતો. આ કેસ અંગે વલસાડના એસપી પ્રેમવીર સિંહ કહે છે, ‘વલસાડની ગવર્મેન્ટ કોલોનીમાં રહેતી હિરલ ઉર્ફે જીગલી, ખેરગામની રહેવાસી દક્ષા સોલંકી અને પ્રકાશ ઉર્ફે પકાની ટુકડી અતિશય ગરીબ યુવતીઓને વેચવાનું રેકેટ ચલાવતાં હતાં. પોલીસે ગેન્ગના મુખ્ય સૂત્રધાર પ્રકાશની પંચલાઇના માધવફળિયામાંથી ધરપકડ કરી હતી. ગેન્ગના સભ્યો વલસાડના ગામડાંની યુવતીઓે મહેસાણા અને અમદાવાદ લાવીને લગ્ન અર્થે વેચી દેતા હતા. અત્યાર સુધીમાં ૪૦૦ જેટલી યુવતીઓને વેચી હોવાનું પ્રકાશે પ્રાથમિક તપાસમાં કબૂલ્યું હતું.’

રોજ ૪ નાગરિકો કાયમી ગુમસર્ચ માય ચાઇલ્ડ નામની એનજીઓના સર્વે પ્રમાણે ગુજરાતમાં દરરોજ ૨૦ નાગરિકો ગુમ થાય છે. જેમાંથી ૪ ક્યારેય પરત આવતા નથી. રાજ્યમાં ૨૦૦૭થી ૨૦૧૪ દરમિયાન ૫૫ હજાર બાળકો ગુમ થયાં છે. તેમાંથી ૧૦ હજાર બાળકો હજી મળ્યાં નથી. ભારતનાં મોટાભાગનાં શહેરમાં ૪૦ ટકા એવાં બાળકો ભીખ માગે છે જે ટ્રાફિકિંગનો ભોગ બન્યાં હોય. આ અંગે ચાઇલ્ડ રાઈટ સંસ્થાના ફાઉન્ડર રાજુ સોલંકી કહે છે, ‘ચાઈલ્ડ ટ્રાફિકિંગ કરનારા માનસિક અને શારીરિક અત્યાચાર કરીને બાળકોમાં ડર પેદા કરે છે. જેના કારણે બાળકો એક મશીનની જેમ તેમનો હુકમ માનતા હોય છે. પોલીસના હાથે ઝડપાયા બાદ પણ આ બાળકો પોતાના માલિકનું નામ સરળતાથી કહેતા નથી.

બાળકોનું ટ્રાફિકિંગ અનેક કારણથી થાય છે. નવજાત બાળકો સંતાનહીન દંપતીઓને દત્તક આપવા માટે તફડાવી લેવાય છે. સાવ નાનાં બાળકોને ભીખ માગવાના વ્યવસાયમાં મહિલાઓ સાથે મૂકવામાં આવે છે. એથી મોટી ઉંમરનાં બાળકોને મહાનગરના ટ્રાફિક સિગ્નલ જેવા વિસ્તારોમાં ભીખ માગવા ગોઠવવામાં આવે છે. અથવા દારૂ, ચરસ વગેરે નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં ગોઠવી દેવાય છે. જે બાળકોમાં આવી ચતુરાઈ ન હોય તેમને ગુલામની જેમ મજૂરી કરાવવા માટે વેચી દેવાય છે.

સુરતના પરામાં ટ્રાફિકિંગ વધુસુરત શહેરમાં અનેક પ્રાંત છે એટલે કે વરાછામાં કાઠીયાવાડ, ભટારમાં મરાઠાવાડ, સિટીલાઇટમાં મારવાડ તો લિંબાયત-પાંડેસરામાં યુપી-બિહાર વસ્યું છે. સુરત મેટ્રો સિટી તરફ કૂચ કરી રહ્યું છે ત્યારે ક્રાઇમ રેટમાં પણ મેટ્રો સિટીની હરોળમાં જ આવી ગયું છે. લિંબાયત, સચીન, પાંડેસરા જેવા વિસ્તારોમાંથી બાળકોનું જ્યારે કાપોદ્રા જેવા વિસ્તારમાં યુવતીઓનું ટ્રાફિકિંગ થઈ રહ્યું છે. જોકે પોલિસની સર્તકતાથી કારણે ઘણીવાર મોટી ઘટના બનતા અટકે છે.

સુરતના ડિંડોલી-નવાગામ વિસ્તારમાં પ્લોટ નંબર ૨૮માં છત્રા દંપતી છેલ્લાં ચાર વર્ષથી રહે છે. તેમનો ત્રણ વર્ષીય દીકરો આદિત્ય ગત ડિસેમ્બરમાં ગુમ થઈ ગયો હતો. બે દિવસ સુધી સતત શોધખોળ છતાં આદિત્યનો પત્તો ન લાગતાં છત્રા દંપતીએ ડિંડોલી પોલીસ સ્ટેશનની સહાય લીધી. પોલીસે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી, પરંતુ આદિત્યની ભાળ ન મળી.

ફેબ્રુઆરીમાં ડિંડોલી પોલીસ સ્ટેશનના જમાદાર તેજપાલભાઈ પરદેશી એક કેસ અર્થે સુરત ડીસીબી ઓફિસે ગયા હતા. કેસની ચર્ચા ચાલુ હતી ત્યારે જ લેન્ડલાઇન ફોન રણક્યો. ડીસીબીના જમાદારે વિગત નોંધીને ચોપડો બંધ કરી દીધો. તેજપાલભાઈએ પૂછ્યું કે કયો કેસ હતો? તો જવાબ મળ્યો કે, મહારાષ્ટ્રના નંદુરબારના શાહદા પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષીય છોકરો મળ્યો છે અને તે સુરતનો છે. તેજપાલભાઈએ ડિંડોલી પોલીસ સ્ટેશન આવીને બે માસ જૂની ફાઇલ ફંફોળીને આદિત્યની વિગતો મેળવી. ડીસીબીમાં ફોન કરીને શાહદા પોલીસ સ્ટેશનનો નંબર લઈને ત્યાંના જમાદારને વોટ્સએપ વડે ફોટો શેર કરતાં જ આદિત્યની ભાળ મળી ગઈ. સાથે સાથે તેનું અપહરણ કરનાર ગુનેગારની પણ.

નંદુરબારના શાહદા વિસ્તારનો રોણીદાસ રામસિંહ ભીલ મજૂરી અર્થે આવ્યો હતો. પંદર દિવસ કરજણ વિસ્તારમાં મજૂરી કર્યા બાદ પરત ફરતી વખતે ઉધના જંક્શન પર રાતવાસો કર્યો. ટ્રેન મોડી હોવાથી રસોઈ બનાવવા આજુબાજુની ખુલ્લી જગ્યામાં લાકડાં કાપવા નીકળ્યો હતો. નજીકમાં જ છત્રા દંપતી રહેતું હોઈ તેમનો દીકરો એકલો આ વિસ્તારમાં રમતો હતો. રોણીદાસની નજર આદિત્ય પર પડતાં તેના મનમાં લાલચનો કીડો સળવળ્યો. બધાનું ધ્યાન ચૂકવીને આદિત્યને લઈને ચુપચાપ ટ્રેનમાં બેસીને ઘરે પહોંચી ગયો. ઘેર પહોંચતાં જ તેની પૂછપરછ થવા લાગી. તેના ખુદનાં ત્રણ સંતાનો હોવા છતાં તે આદિત્યને ઉઠાવી લાવ્યો હતો અને તેના શરીર પર ડામ પણ આપ્યા હતા. રોણીદાસ આદિત્યને વેચીને રૂપિયા મેળવવા માગતો હતો, પરંતુ તે પહેલાં આસપાસના રહીશોએ પોલીસને જાણ કરીને તેને પોલીસને હવાલે કરી દીધો. હાલ રોણીદાસ લાજપોર જેલમાં સજા કાપી રહ્યો છે. આદિત્ય હેમખેમ પરત ફરીને તેનાં માતા-પિતા સાથે નવી જિંદગી વિતાવી રહ્યો છે. 

ઉજ્જવલા યોજનાની સ્થિતિમાનવ તસ્કરીને રોકવા અને મહિલા તથા બાળકોની સુરક્ષા અર્થે ભારત સરકાર દ્વારા ઉજ્જવલા નામની યોજના બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત માનવ તસ્કરી રોકવા કામ કરતી સ્થાનિક સંસ્થાઓને સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે. આ સહાયમાંથી સ્થાનિક સંસ્થાઓ દ્વારા તસ્કરીનો ભોગ બનેલા વ્યક્તિને આરોગ્ય અને ન્યાયિક મદદ પૂરી પાડવામાં આવે છે.  

ગુજરાતમાં માનવ તસ્કરી રોકવા અમદાવાદ સિટી, અમદાવાદ ગ્રામ્ય, સુરત સિટી, વડોદરા સિટી, રાજકોટ સિટી એમ પાંચ યુનિટ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક યુનિટને ડિજિટલ કેમેરા, લેન્ડલાઇન ફોન આપવામાં આવ્યા છે. ૧ સબ ઇન્સ્પેક્ટર, ૨ હેડ કોન્સ્ટેબલ અને ૨ પોલીસ કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવી છે. આ યુનિટ સતત હ્યુમન ટ્રાફિકિંગ એક્ટિવિટી ઉપર નજર રાખતું હોય છે. આ ઉપરાંત ચાઇલ્ડ ક્રાઇસિસ ઇન્ટરવેન્શન સેન્ટર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ખાતે કાર્યરત છે.

મુંબઈની સ્થિતિ વધુ ગંભીરબેંગ્લોર નજીકના એક નાના ગામમાં રહેતી મરિયમ બીમારીને કારણે ત્રણ વર્ષ સુધી બેસી શકતી નહોતી. એક નાનો ભાઈ હતો. પિતા ટ્રક ડ્રાઇવર હતા. તેમને કિડનીમાં પથરી હોવાથી માંડ કામ કરતા. એમાં જે મળે એમાં ગુજારો થતો. દિવસભર કામ કરીને થાકેલા પિતા રાત્રે ઘરે આવેે ત્યારે તેની મા બહાર નીકળી જતી. આખી રાત તેના પ્રેમીને ત્યાં ગાળી સવારે પાછી આવતી. પિતા લાચાર હતા. મા મરિયમ અને તેના ભાઈને પોતાના નહોતી ગણતી. તેમને જમાડવાની પણ ચિંતા નહોતી કરતી. રાત્રે પિતા આવે ત્યારે બાળકોને ખાવાનું મળતું.

બીમારી અને માતાની બેવફાઈએ તેના પિતાનો જીવ લઈ લીધો. મૃત્યુના પંદર દિવસ બાદ સગાંઓ પોતાના ઘરે ચાલ્યા ગયા ત્યારે રાત્રે બાળકોને રૂમમાં બંધ કરીને તેની માતા પણ પ્રેમી સાથે ભાગી ગઈ. બાળકોને નાના-નાની લઈ ગયાં. બાળકોને ઉછેરવા નાના-નાની દિવસ-રાત મહેનત કરવા લાગ્યા. મરિયમે ૧૦માની મધ્યસત્ર પરીક્ષા આપી દીધી. તો માતાના ફોન આવવા લાગ્યા, તે બાળકો માગતી. નાના-નાની બાળકોને તેની પાસે મોકલવા નહોતાં ઇચ્છતા. પરીક્ષા દરમિયાન જ મરિયમને ટાઇફોઇડ થઈ ગયો.

તાત્કાલિક સારવાર ન મળતાં લકવાની અસર થઈ ગઈ. મોં મચકોડાઈ જવાથી તેં બોલી શકતી નહોતી. નાના-નાની તેને શહેરની હૉસ્પિટલમાં લાવ્યાં. ૧પ દિવસ સાથે રહ્યાં બાદ મરિયમને મા અને સાવકા પિતાના ભરોસે છોડીને ગામ પરત ફર્યા. મરિયમની માતા તેને હૉસ્પિટલમાંથી રજા અપાવીને પોતાના ઘરે લઈ ગઈ. માતા સવારે કેન્ટીન જાય ત્યારે સાવકો બાપ ઘરે આવી મરિયમ પર બળાત્કાર ગુજારતો. મરિયમ બોલી શકતી નહોતી અને પગમાં લકવો હોવાથી ચાલી પણ શકતી નહોતી. પંદર દિવસ બાદ નાના-નાની મળવા આવ્યાં ત્યારે મરિયમે તેમને ઇશારાથી સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેઓ સમજી ન શક્યાં. ખબરઅંતર લઈ તેઓ ચાલ્યાં ગયાં.

ત્યાર પછી મરિયમનો પિતા ત્રણ દલાલને લઈ આવ્યો. તેમણે મરિયમ પર બળાત્કાર કર્યો. પછી માતા-પિતા મરિયમને મુંબઈ લાવ્યાં અને સાયનમાં એક લાખ એંસી હજાર રૂપિયામાં એક મહિલાને વેચી દીધી. મહિલા અને દલાલે મરિયમને કમાઠીપુરા-ફોરાસ રોડ વેચી દીધી. એક દિવસ એ ગલીમાં પોલીસ રેડ પડી. કોઈકે મરિયમ મરિયમ કહીને બૂમો પાડી, પરંતુ મરિયમ જવાબ કેવી રીતે આપે? પછી મરિયમ ગ્રાન્ટ રોડ પરના જમુના મેન્શનમાં પહોંચી ગઈ. જોકે અહીંની માલિકે મરિયમનો સારા ડૉક્ટર પાસે ઇલાજ કરાવ્યો. તેના હાથ-પગ કામ કરતાં થયા, તે ફરીથી બોલવા પણ લાગી. મરિયમ કહે છે, ‘સગી માતાએ લકવાની અસર થવાથી મને આ ગંદકીમાં વેચી દીધી, પરંતુ અહીંની કોઠાવાળી બાઈએ સારા ડૉક્ટરને બતાવીને મારો ઇલાજ કરાવ્યો, એટલે હવે ધંધામાં હું જાતે જ ગ્રાહકોને સંતોષવા લાગી.’

તેની પાસે આવતા તમામ ગ્રાહકોને મરિયમ તેની કહાની સંભળાવતી. એક ગ્રાહકે તેને લેખિતમાં આપવા જણાવતાં મરિયમે તેની વાત લેખિતમાં આપી. એકાદ મહિના બાદ ત્યાં પોલીસે રેડ પાડી. પોલીસ અને રેસ્ક્યુ ફાઉન્ડેશનને સાથે લઈને તે વ્યક્તિએ જ આ રેડ પડાવી અને મરિયમને ધંધામાંથી મુક્ત કરાવી. તે વખતે મરિયમના પેટમાં એક માસનો ગર્ભ હતો. હાલમાં તે દોઢ વર્ષનો પુત્ર છે. મરિયમ તેની નર્કયાતના વિષે અમને જણાવતી હતી ત્યારે તેનો પુત્ર રેસ્ક્યુ ફાઉન્ડેશનનાં ત્રિવેણી આચાર્ય સાથે રમી રહ્યો હતો. ઘણી છોકરીઓ હજુ પણ આ ધંધામાં સપડાયેલી છે. મરિયમની માતા, તેના સાવકા પિતા અને દલાલ હાલ જેલમાં છે. મરિયમના લગ્ન તેના એક ગ્રાહક સાથે થઈ રહ્યાં છે. નાના-નાની સંબંધ રાખવા નથી ઇચ્છતા. ભાઈ બાળકને અનાથાશ્રમમાં મૂકવા દબાણ કરે છે. મરિયમ કહે છે, ‘કોઈ મા બાળકને પોતાનાથી અલગ કેવી રીતે કરી શકે?’

રેસ્ક્યુ ફાઉન્ડેશન દ્વારા સેક્સવર્કરોને મુક્ત કરાવવાનું કામ કરતાં ત્રિવેણી આચાર્ય કહે છે, ‘રેસ્ક્યુ ફાઉન્ડેશને ૮,૦૦૦ છોકરીઓને મુક્ત કરાવી છે. દરેકની સ્થિતિ મરિયમને મળતી જ આવે છે. ફાઉન્ડેશન પાસે ૧પ૦  સ્વયંંસેવક અને કર્મચારીઓ છે, જેઓ ગ્રાહક બનીને રેડલાઇટ વિસ્તારમાં ફરતાં રહે છે અને ધંધામાં ફસાયેલી છોકરીઓને શોધીને મુક્ત કરાવાય છે. આવા કામમાં ક્યારેક એક મહિનો તો ક્યારેક એક વર્ષ પણ લાગે છે.’ ત્રિવેણી આચાર્ય કહે છે, ‘હ્યુમન ટ્રાફિકિંગનું મૂળ કારણ ગરીબી અને બેરોજગારી છે.’

ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮નો ઇલાજયુવા સંસ્થાના વિજય ખરાત છેલ્લાં પાંચ વર્ષથી ચાઇલ્ડ હેલ્પલાઇનમાં કામ કરી રહ્યા છે. તેમણે ચાઇલ્ડ હેલ્પલાઇન અંગે વિગત વાર જણાવતા કહ્યું, ‘પહેલાં અનાથ, ભગાડાયેલાં કે ભાગીને મુંબઈ આવેલાં બાળકો પાસે જઈને સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરો તેમને મળતાં, સમજાવતાં અને કંઈક ઉપાય કરતા. આજે આ કામ કૉલ સેન્ટર દ્વારા થઈ રહ્યું છે. ૧૦૯૮ આ કૉલ સેન્ટરનો નંબર છે. આ હેલ્પલાઇન ર૪ કલાક ચાલુ હોય છે. દેશનાં ૬૦૦ શહેરોમાં આ હેલ્પલાઇન અને ચાઇલ્ડલાઇન સેન્ટરનું કામ ચાલે છે. દેશભરમાંથી ચાઇલ્ડ ટ્રાફિકિંગનો કૉલ સૌથી પહેલાં અહીં આવે છે. બાદમાં જે-તે વિસ્તારમાં આ કામ સંભાળતી સંસ્થાને જાય છે. મુંબઈમાં અલગ-અલગ ચાર વિભાગોમાં ચાર સંસ્થા કામ કરી રહી છે. આ ફાઉન્ડેશન ઉપરાંત, નવનિર્માણ વિકાસ કેન્દ્ર, કમ્યુનિટી કમિટેડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને ચાઇલ્ડલાઇન ઇન્ડિયા ફાઉન્ડેશન. મુંબઈના ચાઇલ્ડલાઇન સેન્ટરના વિસ્તારમાં કરી રોડથી મુલુંડ અને કોટન ગ્રીનથી માખુર્દ વિસ્તાર આવે છે.’

યુવાએ બનાવેલી ટીમમાં જિતેન્દ્ર ચૌધુલે ટીમ મેમ્બર અને વિજય ખરાત સેન્ટર કો-ઓર્ડિનેટર છે. તે કહે છે, ‘ચાઇલ્ડ ટ્રાફિકિંગનું મોટું રેકેટ છે. દિલ્હી જેવા શહેરોમાં ગેરકાયદેે પ્લેસમેન્ટ સર્વિસ ચલાવાઈ રહી છે. અહીંથી ગરીબ બાળકોની આપ-લે મુંબઈ જેવા મોટા શહેરોમાં કરવામાં આવે છે.

‘કમાઠીપુરાના જરી કારખાનામાં પોલીસને સાથે રાખીને હાથ ધરેલી તપાસમાં ૧પ૦ બાળકો મળ્યાં હતાં. બાદમાં તેઓને પરત તેમના ગામ કે બાલ સુધાર ગૃહમાં મોકલી અપાય છે. મારા હિસાબે આ બધા પાછળનું મુખ્ય કારણ ગરીબી જ છે.

‘એક બીજો દાખલો આપું, મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ખોવાયેલા એક બાળકનું પોસ્ટર લાગેલું હતું અને તેનાથી ચારેક સ્ટેશન દૂર એક મહિલા તે જ બાળકને લઈને ભીખ માંગી રહી હતી. ચાઇલ્ડલાઇનને ખબર મળતાં જ ટ્રેપ કરીને તેને પકડી લેવાઈ હતી. ઘણી વાર સ્ટેશન પર આવા બાળકની ખબર પડે ત્યારે મહિલા ટ્રેનમાં બેસી ક્યાં ઊતરી જાય તે ખબર પડતી નથી એટલે જ આવા ભિખારીઓને ભીખ ન આપવી જોઈએ.’

મુંબઈ પોલીસના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ ધનંજય કુલકર્ણીએ જણાવેલા પોલીસ આંકડા અનુસાર ર૦૦૪થી ર૦૧૪ સુધીમાં ૩૪ર૧૩ નાનાં બાળકો ગુમ થયાં છે. જેમાંથી અત્યાર સુધીમાં ૧૪ર૧ બાળકોનો હજુ સુધી કોઈ પત્તો નથી. મુંબઈ પોલીસ કમિશનર રાકેશ મારિયાએ બાળકોને શોધવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં સ્વતંત્ર વિભાગ બનાવ્યો છે, તેમાં ૧૦૦૦ બાળકોને શોધાયા છે.

સરકારે માળખું તો બનાવ્યું છેહ્યુમન રાઈટ્સના હ્યુમન ટ્રાફિકિંગ પ્રોટોકોલ પ્રમાણે દરેક રાજ્યમાં હ્યુમન ટ્રાફિકિંગને રોકવા માટે ગવર્મેન્ટ નોટલ ઓફિસર અને પોલીસ નોટલ ઓફિસરની નિમણૂક કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. તેઓ ફોન નંબર અને ઈ-મેઇલના આધારે લોકોના સંપર્કમાં રહી શકે તે માટે પોલીસ સ્ટેશન અને પોલીસ અધિકારીઓએ પોતાના ડિસ્પ્લે બોર્ડ ઉપર આ અધિકારીનો સંપર્ક નંબર મૂકવાની ફરજ પાડવામાં આવી છે. રાજ્યમાં બનતી માનવ તસ્કરીની ઘટનાઓની ડેટાબેન્ક બનાવીને આ નોડલ ઓફિસરે આઇબીના અધિકારીને આપવાના હોય છે. આઇબી વિભાગમાં અધિકારી પાસે રાજ્યની તમામ વિગતો હોય છે. સરકારી અથવા સ્થાનિક સંસ્થાઓના રેસ્ક્યુ ઉપર આઇબીના અધિકારીની નજર હોય છે. આઇબી આ રિપોર્ટ ગૃહ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને આપે છે. ભારત સરકારે ગુજરાત સહિતનાં તમામ રાજ્યમાં આ નેટવર્ક ઊભું કરવાની ફરજ પાડી છે. જોકે ગુજરાતમાં હ્યુમન ટ્રાફિકિંગના ડેટાનો અભાવ છે. ૨૦૦૭થી ૨૦૧૧ બાદ પોલીસ દ્વારા આ દિશામાં કોઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી.

આ દૂષણને રોકવા દેશનાં બધાં રાજ્યની અને વિશ્વના બધા દેશની સરકારો કાયદા કડક બનાવી રહી છે. હ્યુમન ટ્રાફિકિંગના ગંભીર ગુનેગારો માટે કેદની સજા ૧૪ વર્ષથી વધારીને આજીવન 

(મૃત્યુ સુધીની)ની કરવામાં આવી છે. છતાં હજી સ્થિતિમાં સુધારો નોંધાતો નથી, કારણ તમામ પ્રયાસો છતાં કાયદાનો કડકાઈથી અમલ થતો નથી. ન્યાયપ્રક્રિયા જડબેસલાક રીતે કામ કરી શકતી નથી.

આજ કારણસર હ્યુમન ટ્રાફિકિંગનો વિશ્વવ્યાપી અભ્યાસ કરતી અમેરિકાની સંસ્થા  ટ્રાફિકિંગ ઇન પર્સન (ટીઆઈપી)ને હ્યુમન ટ્રાફિકિંગ સામેની લડતમાં ભારતને ટિયર-ટુનો દરજ્જો આપ્યો છે. એટલે કે આપણી સરકાર હ્યુમન ટ્રાફિકિંગ સામેના લઘુતમ ધોરણો પણ પાળી શકતી નથી, પરંતુ એ માટે નોંધપાત્ર પ્રયાસ જરૂર કરે છે. જો પ્રયાસ સફળ ન થાય તો આપણી ગણતરી ટિયર-થ્રીમાં થવા લાગે. તો માનવતાનાં ધોરણો સિવાયની બિનવ્યાપારિક મદદ કરવાનું અમેરિકા તથા યુરોપીય દેશો બંધ કરી દે. 

બ્રિટનમાં હેડક્વાર્ટર ધરાવતી ‘કન્ટ્રો રિસ્ક’ નામની સંસ્થાના અહેવાલ મુજબ અપહરણના બનાવોમાં વિશ્વમાં મેક્સિકો પહેલા નંબરે છે. પછી બીજો નંબર ભારતનો છે. અમેરિકાની સુરક્ષા સંસ્થા એફબીઆઈએ ચેતવણી આપી છે કે, હ્યુમન ટ્રાફિકિંગ હવે એપિડેમિકની કક્ષાએ પહોંચી ગયેલું દૂષણ છે. તેને સમયસર કાબૂમાં લેવામાં નહીં આવે તો બધાનું જીવન દુષ્કર બની જશે. આપણે તેને નાથવામાં મદદરૂપ થઈ શકીએ તે માટે જ તેનો આ પરિચય આપ્યો છે.

ગુજરાતમાં પાંચ એન્ટિ વુમન ટ્રાફિકિંગ યુનિટ તહેનાત છે. અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે. પોલીસની સતર્કતાથીે માનવ તસ્કરીના કેસ ઓછા નોંધાય છે. અત્યાર સુધીમાં આવા ગુનાઓમાં પોલીસે સારી કામગીરી કરી છેઃ અનિલ પ્રથમ આઇજીપી, વુમન સેલ ગુજરાત સ્ટેટ

વલસાડ નજીકના આદિવાસી વિસ્તારોમાં માનવ તસ્કરી રોકવા વલસાડ પોલીસ સતત પ્રયત્નશીલ છે. જિલ્લાનાં દરેક પોલીસ સ્ટેશનને આ બાબતે સજાગ કરવામાં આવ્યાં છે. શંકાસ્પદ લાગતાં લોકોની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવે છેઃ પ્રેમવીર સિંહ એસપી, વલસાડ

મહિલાઓની ખરીદી, વેચાણ, બળજબરી વેશ્યાવૃત્તિના ધંધા કે ભીખ માગવા મજબૂર કરવી વગેરે દંડનીય અપરાધ છે. આ પ્રકારના ગુનામાં અપરાધીઓને સાત વર્ષથી ૧૦ વર્ષની સજા અને ૨ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છેઃ હર્ષિલ ઢોળકિયા એડવોકેટ, હાઈકોર્ટ

આદિવાસી વિસ્તારમાં ગરીબ પરિવારની યુવતીઓને ફોસલાવીને તસ્કરી કરવાની ઘટનાઓને રોકવા માટે પોલીસ સજાગ બની છે. પોલીસને સૂચિત કરવામાં આવી છે. હાલમાં માનવ તસ્કરી કે ઇમોરલ ટ્રાફિકિંગનો કોઈ ગુનો નોંધાયો નથીઃ પી.એલ. માલ એસ.પી. સાબરકાંઠા

મહેસાણા જિલ્લામાં ભૂતકાળમાં લગ્ન અર્થે યુવતીઓની તસ્કરીના ગુનાઓ નોંધાયા હતા. પોલીસે  આરોપીઓની ધરપકડ પણ કરી હતી. હાલ એવો કોઈ ગુનો નોંધાયો નથી. આમ છતાં પોલીસ આ દિશામાં સતર્કતા કેળવીને કામ કરી રહી છેઃ જે.આર. મોથલિયા એસપી, મહેસાણા જિલ્લા

મા-બાપેે બાળકોની કાળજી રાખવી જોઈએસુરતમાં મજૂરી કરવા આવતાં પરપ્રાંતીયો મોટા ભાગે બાળકો પ્રત્યે બેદરકાર હોય છે. ઘણાખરા કિસ્સામાં માતા-પિતાની ભૂલના કારણે જ બાળકો ગુમ કે અપહૃત થતાં હોય છે. બાળક પડોશીને સોંપીને માતા-પિતા કામ પર ગયાં હોય ત્યારે જ આવી ઘટનાઓ બનતી હોય છે. માતાએ બાળકની તકેદારી રાખવી જોઈએ. ગુમ થનારની ભાળ મળે તે માટે અમે નવી ટેક્નોલોજીનો સહારો લઈએ છીએ, જ્યારે ફરિયાદી ગુમ થયા અંગેની ફરિયાદ લખાવતો હોય ત્યારે જ અમારી પીસીઆર વાન 

જે-તે વિસ્તારમાં ફરીને ફોટોગ્રાફની સાથે જાહેરાત કરતી હોય છે. સાથે સાથે  વોટ્સએપ જેવી સોશિયલ સાઈટ્સ પર પણ ન્યૂઝ ફરતા કરીએ છીએ. અમે સંપૂર્ણ કોશિશ કરીએ છીએ. લોકોએ પણ પોતાની મૂળભૂત ફરજ નિભાવવી જોઈએ. ઃ કે. જી. લિંબાચિયા પોલીસ ઈન્સ્પેક્ટર, ડિંડોલી પોલીસ સ્ટેશન

બધે આ જ દશા છેઅમેરિકાના ટીઆઈપી રિપોર્ટ મુજબ દક્ષિણ અને મધ્ય એશિયાના તમામ દેશોમાં આ અંગેનો રેકોર્ડ ખૂબ નબળો છે. ૨૦૧૩ના વર્ષમાં આ દેશોમાં હ્યુમન ટ્રાફિકિંગના કુલ ૭,૧૨૪ પીડિત ઓળખી શકાયા હતા. તેમાં ૧,૯૦૪ આરોપીઓ સામે કાનૂની કેસ ચલાવવામાં આવ્યા હતા અને તેમાંથી માત્ર ૯૭૪ આરોપીઓ જ ગુનેગાર સાબિત થઈ શક્યા. આ નબળાઈનું જ પરિણામ છે કે, હ્યુમન ટ્રાફિકિંગ પર કાબૂ મેળવી શકાતો નથી.

માનવ તસ્કરી રોકવા ૯૦ ટકા કેસમાં સફળતાસુરતમાં ગરીબ વર્ગનાં સંતાનોની તસ્કરી વધુ થાય છે. ખાસ કરીને લિંબાયત, પાંડેસરા, ઉધના અને સચીન જેવા વિસ્તારમાં વસતાં દંપતીઓ કામ પર જ્યારે ત્યારે આવા કેસો બને છે. જોકે ૯૦ ટકા કેસમાં અમને સફળતા મળી છે, પરંતુ કેટલાક કેસો એવા હોય છે કે, અહીંથી મુંબઈ નજીક હોવાથી ઘણાં બાળકો ઘરકંકાસથી કંટાળીને પોતાની રીતે ભાગી જતાં હોય છે. યુવતીઓના કિસ્સામાં દિલ્હીમાં એક એજન્સી મારફતે સિક્કીમ, બંગાળ, ઝારખંડ જેવા રાજ્યોમાંથી ૧૮ વર્ષથી ઉપરની યુવતીઓને અહીં સપ્લાય કરવામાં આવે છે અને તેમની પાસે ઘરકામ કરાવવામાં આવે છે. સુરત અને આજુબાજુના વિસ્તારમાં આવી યુવતીઓ કમને કામ કરતી હોય છે અને તેમનું શોષણ પણ થતું હોય છે. અમે ફ્રેન્ડ્સ ઓફ પોલીસ જેવા અવેરનેસના પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. જેમાં અમારા ૧૦,૦૦૦ જેટલા મેમ્બર્સ પોતપોતાના વિસ્તારમાં ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે.ઃ રાકેશ અસ્થાના પોલીસ કમિશનર, સુરત

નેપાળમાં ભૂકંપ પીડિતાઓ ટ્રાફિકિંગનો ભોગનેપાળના ભૂકંપ પછી ત્યાં ઘર-પરિવાર બધું જ ગુમાવી ચૂકેલી યુવતીઓનાં આંસુ લૂછવાના નામે એમને હ્યુમન ટ્રાફિકિંગના અમાનુષી વિષચક્રમાં સપડાવવામાં આવી છે. આંકડા કહે છે કે, ભૂકંપ પછી નેપાળથી હ્યુમન ટ્રાફિકિંગમાં ઉછાળ આવ્યોે છે.

નેપાળના ભૂકંપ પછી ત્યાં ઘર-પરિવાર બધું જ ગુમાવી ચૂકેલી યુવતીઓનાં આંસુ લૂછવાના નામે એમને હ્યુમન ટ્રાફિકિંગના અમાનુષી વિષચક્રમાં સપડાવવામાં આવી છે. આંકડા કહે છે કે, ભૂકંપ પછી નેપાળથી હ્યુમન ટ્રાફિકિંગમાં ઉછાળ આવ્યો છે.

પુખ્ય વયના પુરુષોભારે મજૂરીનાં કામો માટે દેશ-વિદેશમાં વેચી દેવાય છે. તેમના કોઈ કાયદેસર દસ્તાવેજ ન હોવાથી તેઓ કોઈ કાનૂની મદદ મેળવી શકતા નથી.

બાળકોહ્યુમન ટ્રાફિકિંગનો કોઈ પણ રીતે ભોગ બનેલાં બાળકો સૌથી વધુ દયનીય દશામાં આવી જાય છે. તેઓ જરાય પ્રતિકાર કરી શકે તેમ હોતાં નથી. તેઓ સૌથી વધુ શોષણ અને ક્રૂર અત્યાચારનો ભોગ બને છે.

છોકરીઓ અને મહિલાઓછોકરીઓ અને યુવતીઓને મોટા ભાગે એક યા બીજા પ્રકારે દેશ-વિદેશમાં સેક્સવર્કર બનાવવામાં આવે છે. મોટી ઉંમર થતાં તેમને મજૂરી અથવા ઘરકામનાં કામમાં જોતરી દેવામાં આવે છે.

લતિકા સુમન, મિરાની પ્રસાદ પટેલ

admin

Recent Posts

મસ્તી મસ્તીમાં મિત્રો ઝઘડ્યા એકે બીજાને ચપ્પાના ઘા માર્યા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…

1 hour ago

આતંક સામે આક્રોશ, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિઃ બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…

1 hour ago

પગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…

1 hour ago

750 કરોડની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ છે પણ શોભાનો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…

1 hour ago

મ્યુનિ. બજેટ બેઠકમાં બબાલઃ માત્ર એક કલાકમાં ચાર બજેટ મંજૂર કરી દેવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…

1 hour ago

પુલવામા હુમલો: ૪૦ શહીદને આજે અંતિમ વિદાય અપાશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…

2 hours ago