હોમ ડિલિવરી દ્વારા મંગાવાતા ટેક અવે ફૂડ પેકેટ પર પણ સર્વિસ ટેક્સ લાગશે

નવી દિલ્હીઃ હવે મેકડોનાલ્ડ કે પિઝા હટ જેવા ફૂડ જોઈન્ટ્સ કે રેસ્ટોરાંમાંથી ખાણીપીણીની ચીજો હોમ ડિલિવરી દ્વારા ઘરે મંગાવતા લોકો માટે સારા સમાચાર નથી. હવેથી જો તમે કોઈ ફૂડ જોઈન્ટ કે એરકન્ડિશન્ડ રેસ્ટોરાંમાંથી ખાણીપીણીની ચીજવસ્તુઓ મંગાવશો તો મોંઘું પડશે, કારણ કે હવે તેના પર પણ સર્વિસ ટેક્સ લગાવવામાં આવશે.

નાણાં મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે એરકન્ડિશન્ડ રેસ્ટોરાંની બાબતમાં સર્વિસ ટેક્સને લઈને કોઈ ભ્રમ હોવો જોઈએ નહીં. સર્વિસ ટેક્સ વિભાગ રેસ્ટોરાંમાં બેસીને ભોજન લેવા કે ઘેરબેઠાં હોમ ડિલિવરી દ્વારા ટેક અવે પેક મંગાવવાની બાબતમાં કોઈ અંતર જોતો નથી અને હવે ટેક અવે પેક પર પણ સર્વિસ ટેક્સ લાગશે.

વાસ્તવમાં ચંડીગઢ સ્થિત સર્વિસ ટેક્સ અધિકારી તરફથી જારી કરવામાં આવેલા એક પરિપત્રના કારણે આ ભ્રમ ઊભો થયો છે. આ પરિપત્રમાં એવું જણાવાયું છે કે ટેક અવે પર સર્વિસ ટેક્સ નહીં લાગે. તેની પાછળ એવી દલીલ કરવામાં આવી છે કે સર્વિસ ટેક્સ સેવા આપવા પર જ લગાવવો જોઈએ.

જ્યારે ટેક અવેની બાબતમાં રેસ્ટોરાંમાંથી માત્ર ભોજન લેવામાં આવે છે, પરંતુ તેની સેવા લેવામાં આવતી નથી અને તેથી સર્વિસ ટેક્સ લાગે નહીં, જોકે પાછળથી નાણાં મંત્રાલયના અધિકારીઓએ આ દલીલને ફગાવી દેતાં સ્પષ્ટતા કરી છે કે પ્રત્યેક કિસ્સામાં એટલે કે રેસ્ટોરાંમાંથી ઘરે ભોજન મંગાવવા પણ સર્વિસ ટેક્સ લાગશે.એરકન્ડિશન્ડ રેસ્ટોરાં કે ફૂડ જોઈન્ટમાં બેસીને ખાવા પર કે હોમ ડિલિવરી દ્વારા ભોજન મંગાવવા પર સર્વિસ ટેક્સના દરમાં પણ કોઈ ફેરફાર થશે નહીં.

You might also like