હોબાળા બાદ સલમાને માંગી માફી: ટ્વિટ હટાવ્યા

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર સલમાન ખાને મુંબઇ હુમલાનાં ગુનેગાર યાકુબ મેમણની ફાંસીની સજાનાં વિરોધમાં કરેલા નિવેદન બદલ માફી માંગી છે. સલમાને તે તમામ વિવાદિત ટ્વિટ્સ પણ હટાવી દીધા છે. સલમાને આ ટ્વિટ હટાવવાની સાથે સાથે તે બાબતે પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ પોતાનાં પિતાની શિખામણને આધારે ટ્વિટસ હટાવી રહ્યો છે. 

અત્રે ઉલ્લેખીય છે કે, સલમાને રવિવારે સાંજે ટ્વિટ કર્યું કે મે ટ્વિટ કર્યું હતું કે ટાઇગર મેમણને તેનાં અપરાધ માટે ફાંસી થવી જોઇએ. હું હજી પણ તે બાબત પર અડગ છું. મે બસ એટલું જ કહ્યું હતું કે યાકૂબ મેમણને ટાઇગરનાં બદલે ફાંસી દેવામાં આવવી ન જોઇએ.

સલમાને સ્પષ્ટતા કરતા લખ્યું છે કે એમ નહોતું કહ્યું કે યાકૂબ મેમણ નિર્દોષ છે. મને દેશની ન્યાયીક પ્રક્રિયા પર સંપુર્ણ વિશ્વાસ છે. સલમાને બીજા એક ટ્વિટમાં કહ્યું છે કે મુંબઇ બ્લાસ્ટમાં કેટલાય નિર્દોષોનાં મોત થયા હતા. હું વારંવાર કહી ચુક્યો છું કે એક પણ જીવનું નુકસાન તે માનવતાનું નુકસાન છે. 

સલમાને પોતાનાં ટ્વિટ ડિલિટ કરવા અંગેનું કારણ જણાવતા કહ્યું કે મારા પિતાએ મારી સાથે વાત કરી અને કહ્યું કે મારે મારા ટ્વિટ્સને હટાવી દેવા જોઇએ. કારણ કે તેનાં કારણે અલગ અલગ ભ્રમ ફેલાઇ રહ્યા છે.જેનાં કારણે મે ટ્વિટ્સ હટાવી દીધા છે.  સલમાને કહ્યું કે જો અજાણતામાં જ તેમનાં ટ્વિટ્સથી ભ્રમ પેદા થયો હોય તો હું બિનશરતી માફી માંગુ છું.

You might also like