હોકી ઇન્ડિયા લીગ માટે  ખેલાડીઓની ૧૭ સપ્ટેમ્બરે હરાજી

નવી દિલ્હીઃ હોકી ઇન્ડિયા લીગ (એચઆઇએલ)ની ચોથી સિઝન માટે ૧૩૫ ભારતીય અને ૧૪૨ વિદેશી ખેલાડીની હરાજી શહેરની એક હોટલમાં ૧૭ સપ્ટેમ્બરે થશે. છ ફ્રેન્ચાઇઝી ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, અમેરિકા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ્સ, જર્મની, બેલ્જિયમ, સ્કોટલેન્ડ, મલેશિયા, જાપાન અને કોરિયાના ખેલાડીઓ માટે બોલી લગાવશે. હરાજીનું સંચાલન લંડનનાે બોબ હેટન કરશે, જેને આ કામ માટે ૩૦ વર્ષનો અનુભવ છે. આ અગાઉ ઓગસ્ટમાં એચઆઇએલે બધી ટીમને ટોચના ત્રણ ભારતીય અને વિદેશી ખેલાડીને જાળવી રાખવાનો વિકલ્પ આપ્યો હતો, જ્યારે બાકીના અન્ય ખેલાડીઓને હરાજી માટે મુક્ત કરી દેવામાં આવ્યા હતા. નિયમો અનુસાર એક ટીમમાં ૨૦ ખેલાડી રાખી શકાય છે, જેમાં ૧૨ ભારતીય અને આઠ વિદેશી ખેલાડીનો સમાવેશ થાય છે.ગત ચેમ્પિયન રાંચી રેઝે છ ખેલાડીઓને જાળવી રાખ્યા છે, જેમાં કેપ્ટન એશલે જેક્સન, બેરી મિડિલ્ટન, ફર્ગુસ કાવાનાગ, મનપ્રીતસિંહ, બીરેન્દ્ર લકડા અને કોથાજીત સિંહનો સમાવેશ થાય છે. જેપી વોરિયર્સે ગોલકીપર જોપ સ્ટોકમેનને મુક્ત કરી દીધો છે અને સુનીલ, સતબીરસિંહ, વરુણકુમાર, ક્રિસ સિરિએલો, માર્ક નોલ્સ અને જેકબ વેટનને ટીમમાં જાળવી રાખ્યા છે. દબંગ મુંબઈએ ફક્ત ત્રણ ખેલાડી પોતાની પાસે રાખ્યા છે. દિલ્હી વેવરાઇડર્સે સાઇમન ચાઇલ્ડ, ટ્રિસ્ટન વ્હાઇટ, સ્ટિવન એડવર્ડ્સ, તલવીન્દરસિંહ, યુવરાજ વાલ્મીકિ અને સુરેન્દરકુમારને જાળવી રાખ્યા છે અને ભારતીય હોકી ટીમના કેપ્ટન સરદારસિંહને મુક્ત કરીને બધાને ચોંકાવી દીધા છે. જ્યારે કલિંગા લાન્સર્સે દેવીન્દર વાલ્મીકિ, લલિત ઉપાધ્યાય, ગુરજીન્દરસિંહ ઉપરાંત ગોલકીપર એન્ડ્ર્યુ ચાર્ટર અને અરાન જાલેવસ્કીને જાળવી રાખ્યા છે.
You might also like