હુર્રિયત નેતાઓ નજરકેદ થયા અને છુટ્યાઃ ૧૨૦ મિનિટનો હાઇવોલ્ટેજ ડ્રામા

નવી દિલ્હી : સૈયદ અલી શાહ ગિલાની અને મીરવાઇઝ ઉમર ફારુક સહિત ટોપ કાશ્મીરી અલગતાવાદી નેતાઓને ગુરૂવારે નજરબંદી માંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જો કે નજરબંધી અને તેને હટાવવાનો સંપુર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. વાત જાણે એમ બની છે કે આની પાછળ પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તી હતા, જે અલગતાવાદી નેતાઓને તુરંત જ મુક્ત કરવાની જીદ કરી હતી. 

એક અગ્રણી ચેનલે દાવો કર્યો હતો કે નજરકેદ અને મુક્તિનાં આ 120 મિનિટનાં ઘટનાક્રમમાં અંતે જમ્મૂ કાશ્મીરમાં મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઇદને અલગતાવાદી નેતાઓને મુક્ત કરવાની પોતાની પુત્રી મહેબુબાની જીદ આગળ ઝુકવું પડ્યું હતું.

જમ્મૂ કાશ્મીરની મુફ્તી સરકારે ગુરૂવારે સવારે 9.57 વાગ્યે હુર્રિયતનાં અલગતાવાદી નેતાઓની નજરકેદનાં આદેશ આપ્યા હતા. આ કાર્યવાહીને પાકિસ્તાનનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અજીજની સાથે દિલ્હીમાં રવિવારે તેમની પ્રસ્તાવિત બેઠક માટેની પુર્વતૈયારી માનવામાં આવી રહી હતી. 

સૂત્રો અનુસાર મહેબુબા મુફ્તીને આ વાત સંપુર્ણ અયોગ્ય લાગી હતી અને તેમણે હુર્રિયત નેતાઓને મુક્ત કરવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી. મહેબુબાની જિદ આગળ મુફ્તિ સરકારે નમવું જ પડ્યું. જેનાં કારણે 120 મિનિટ બાદ એટલે કે બપોરે 12.05 વાગ્યે નજરકેદ કરાયેલા તમામ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા. 

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે ગુરૂવારે સવારે હુર્રિયત કોન્ફરન્સનાં ઉદારતાવાદી જુથનાં પ્રમુખ મીરવાઇઝ ઉમર ફારુક, મૌલાના મોહમ્મદ અબ્બાસ અંસારી, મોહમ્મદ અશરફ સેઇરાઇ, શબ્બીર અહેમદ શાહ અને અયાઝ અકબર સહિત ઘણા અલગતાવાદી નેતાઓની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દીધી હતો. પહેલાથી જ નજરકેદમાં રહેલા હુર્રિયતનાં કટ્ટરપંથી નેતા સૈયદ અલીશાહ ગિલાનીનાં હૈદરપુરા ખાતેનાં મકાનની બહાર સુરક્ષાકર્મીઓને ફરજંદ કરી દેવાયા હતા. 

સાથે સાથે જ જેકેએલએફ અધ્યક્ષ યાસીન મલિકને મૈસુમાં ખાતેનાં તેમનાં ઘરેથી ઝડપી લેવામાં આવ્યા હતા અને કોઠીબાગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ અધિકારીઓએ યૂ ટર્ન લેતા અલગતાવાદી નેતાઓ પર લગાવેલ નજરકેદ અચાનક જ કોઇ કારણ દર્શાવ્યા વગર જ હટાવી લીધી હતી. 

You might also like