હું મારી દીકરીઓની બહેનપણી છુંઃ હેમા માલિની  

‘કોઈ પોતાની માતાને ભૂલી શકે નહીં, મને આજે પણ મારી મા સાથેની દરેક ક્ષણ યાદ છે. સ્વભાવે કડક હોવાથી પોતાનું ધાર્યું કરાવતી, પરંતુ અમારા ઘડતરમાં એનું જીવન હોમી દીધું. આજે હું જે કંઈ છું એ મારી માતાના પ્રયાસોથી જ છું.’  અભિનેત્રી હેમા માલિની ચર્ચે છે દીકરીઓ અંગેના અનુભવો…

તમારો પણ સ્વભાવ કડક છે?

બિલકુલ નહીં. મારી માતાનો સ્વભાવ કડક હતો, પરંતુ હું તો દીકરીઓનું જતન પ્રેમથી કરું છું. બે દીકરી હોવાનો મને ગર્વ છે, બંનેના વિવાહ થઈ ગયા છે અને બંને ખૂબ ખુશ છે. મારી એક દીકરી તો હવે મને નાની બનાવવાની તૈયારીમાં છે. બાળપણમાં દીકરીથી શરૂઆત કર્યાં પછી બહેન, પત્ની, મા, નાની-દાદી એમ કેટલાય સંબંધો નિભાવવાનો સુંદર અનુભવ છે.

દીકરીની મા હોવાથી ડર લાગ્યો હતો?

બે દીકરીઓ હોવાથી ખૂબ જ ડર લાગતો, હજી લાગે છે. હાલ સંજોગો જ એવા છે કે, એ લોકો ઘરની બહાર જાય ત્યારે ચિંતા વધી જાય. એમના પતિ સાથે હોય છે એ વાતે નિરાંત અનુભવું છું.

કડકાઈથી બાળકોની છૂટછાટમાં દખલ કરવી જોઈએ?

માતા-પિતાએ અમુક હદ સુધી જ કડક સ્વભાવ રાખવો. બાળકો ઈન્ટેલિજન્ટ છે. પોતાની જરૂરિયાત જાતે જ સમજે છે. તેમની પાસેથી આપણે કંઈક શીખવું જોઈએ. છોકરીઓની માવજત એવી કરવી કે તે પણ ઈન્ટેલિજન્ટ બને, ઊભી થતી દરેક પરિસ્થિતિ જાતે ઉકેલે. બાળકો સમજદાર ન હોય તો માતા-પિતાએ વધુ સમય આપવો પડે છે.

તમારી માતાની કોઈ ટિપ્સ દીકરીઓને આપવા માંગો છો?

આપણે માતા પાસેથી લઈએ છીએ એ જ દીકરીઓને આપીએે છીએ. મારી બંને દીકરીઓ પોતપોતાની રીતે પરણી. એકે પ્રેમ કરીને લગ્ન કર્યાં, બીજીએ લગ્ન કરીને પ્રેમ કર્યો. બંનેનું જીવન સુખમય છે. ગમે તેવા સંજોગોમાં દરેકે પોતાના પતિને સહકાર આપવો જોઈએ. જેથી ઘરમાં આનંદમય વાતાવરણ બની રહે.

એશા-આહનાના ઝઘડાઓ અંગે કહેશો?

બાળકો વચ્ચે ઝઘડા થયા કરે, બાદમાં તેઓ એક થઈ જાય. તેમના આવા વર્તનની હું મજા લઉં છું, પરંતુ તેમની વચ્ચે નથી પડતી. મારે કોઈ ભાઈ-બહેન ન હોવાથી હું એકલી હતી એટલે મને તેમના મીઠા ઝઘડા બહુ સારા લાગે છે. ઘણીવાર થતું કે તેમને કંપની આપવા વધુ એક બાળક હોવું જોઈએ.

એશા-આહના તમારા કરતાં નાજુક છે?

એશા મારા પર ગઈ છે, પરંતુ આહના ખૂબ જ નાજુક છે.

 

 

You might also like