હું જ મારો સલાહકારઃ તુષાર  

જિતેન્દ્ર અને શોભા કપૂરના પુત્ર તથા એકતા કપૂરના ભાઇ તુષાર કપૂરે તેની કરિયરની શરૂઆત 2001માં કરીના કપૂરની ઓપોઝિટ ફિલ્મ ‘મુજે કુછ કહેના હૈ’થી કરી. ત્યારબાદ તેણે ઘણી ફિલ્મોમાં અલગ અલગ રોલ કર્યા, પરંતુ તેણે કંઇ વિશેષ મેળવ્યું નથી. ‘ગોલમાલ’ સિરીઝ અને અન્ય કેટલીક કોમેડી ફિલ્મોમાં તેની કોમિક સેન્સની પ્રશંસા થઇ. તેથી તેણે ખુદને કોમેડી ફિલ્મો સુધી સીમિત કરી દીધો. હવે ફરી એક વાર તે ‘ક્યા કૂલ હૈ હમ-3’માં જોવા મળશે. ‘ક્યા કૂલ હૈ હમ’ સિરીઝની તે ત્રીજી ફિલ્મ છે. તે અગાઉની ફિલ્મોની જેમ એડલ્ટ કોમેડી છે, તેમાં રીતેશ દેશમુખના બદલે આફતાબ શિવદાસાની છે. ફિલ્મનું નિર્દેશન ઉમેશ ગાગડેએ કર્યું છે. ફિલ્મમાં ગૌહરખાનનું એક આઇટમ સોંગ પણ છે. 

તુષાર કહે છે, છેલ્લા થોડા સમયમાં મેં ‘ધ ડર્ટી પિક્ચર’ અને ‘શૂટઆઉટ એટ વડાલા’ જેવી ફિલ્મોમાં ગંભીર અને હટકે રોલ પણ કર્યા છે. તેને દર્શકો, સમીક્ષકોએ પણ વખાણ્યા છે, જોકે દર્શકોને મારી કોમિક સેન્સ અને ટાઇમિંગ કદાચ વધુ પસંદ છે અને તેથી હું કોમેડી ફિલ્મોને ના કહેતો નથી. ભવિષ્યમાં તુષાર તબ્બુ સાથે કામ કરવા ઇચ્છે છે. તે કહે છે, હું પહેલેથી જ તબ્બુનો ફેન છું અને તેની સાથે કામ કરવાની દિલથી ઇચ્છા છે. આમ તો હું દરેક અભિનેત્રી સાથે કામ કરવા ઓપન છું. તુષાર પોતાની કરિયર અંગે ક્યારેય કોઇની સલાહ લેતો નથી. તે કહે છે, મને ગમે તે જ હું કરું છું અને ખુદને સલાહ આપું છું. 

 

You might also like