હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મધરાતે ભૂકંપના જોરદાર આંચકા

નવી દિલ્હીઃ બુધવારે મોડી રાત્રે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે ભૂકંપના આંચકાના કારણે લોકો ઊંઘમાંથી સફાળા જાગી જઇને ગભરાટના માર્યા ઘરની બહાર નીકળીને રસ્તા પર દોડી આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચારની માપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે મોડી રાત્રે ૧ર-૪૮ કલાક આસપાસ હિમાચલના મંડી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે હજુ સુધી કોઇ ખુંવારી થઇ હોવાના અહેવાલ નથી. ભૂકંપની તીવ્રતા ચારની હોવાથી નુકસાન થવાની શક્યતા ઓછી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ તા.૧૦ ઓગસ્ટે સાંજે ૪-૦૦ વાગ્યાની આસપાસ દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના કેટલાય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એ વખતે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિંદુકુશ હતું. 

આ ભૂકંપના કારણે રાષ્ટ્રીય પાટનગરમાં ૪૦ સેકન્ડ સુધી ધ્રુજારી અનુભવાઇ હતી. બુધવારે મોડી રાતે હિમાચલમાં આવેલા ભૂકંપના કારણે લોકો આખી રાત ગભરાટના માર્યા ઘરની બહાર જ બેસી રહ્યા હતા.

You might also like