હિટ સાબિત થઈ વિરાટ-રવિ શાસ્ત્રીની ફોર્મ્યુલા

કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ગઈ કાલથી શરૂ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટના પહેલા જ દિવસે ભારતીય ટીમે એ કમાલ કરી દેખાડી, જે પાછલાં પાંચ વર્ષથી જોવા મળી નહોતી. ભારતીય ટીમે પહેલા જ દિવસે લંચ પહેલાં આ ખાસ સફળતા હાંસલ કરી લીધી હતી અને શ્રીલંકાની ટીમને બેકફૂટ પર ધકેલી દીધી છે. અસલમાં પાંચ વર્ષ બાદ કોઈ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે લંચ પહેલાં ભારતીય ટીમે અડધી હરીફ ટીમને પેવેલિયનનો રસ્તો દેખાડી દીધો. કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ ડિરેક્ટર રવિ શાસ્ત્રીની જોડીએ ટેસ્ટ ટીમમાં પાંચ બોલર્સને રાખવાનો નિર્ણય કર્યો, જે મહેન્દ્રસિંહના વિચારોથી તદ્દન વિપરીત હતો, પરંતુ હવે કદાચ આ ફોર્મ્યુલા સાચી સાબિત થતી દેખાઈ રહી છે. ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાનો દાવ પહેલી ઇનિંગ્સમાં ૧૮૩ રનમાં સમેટી દીધો અને દિવસના અંતે ભારતે બે વિકેટ ગુમાવીને ૧૨૮ રન પણ બનાવી લીધા હતા.આજે હવે જો ગાલે ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન ના નડે તો ભારત પાસે ટેસ્ટમાં પકડ મજબૂત કરવા ‘વિરાટ’ તક છે. મેચના પ્રથમ દિવસે તો ભારતીય બોલર્સે કમાલ કરી દેખાડી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. હવે આજે ટેસ્ટના બીજા દિવસે શાનદાર પ્રદર્શન કરવાનો વારો બેટ્સમેનોનો છે. શ્રીલંકાનો સ્કોર ઘણો નાનો છે. ભારત સરસાઈ મેળવશે એ વાતમાં કોઈ શંકા નથી, પરંતુ એ સરસાઈ જેમ બને તેમ વધુ મોટી હોય એ જોવાનો વારો હવે બેટ્સમેનોનો છે, કારણ કે ગાલેની વિકેટ ધીમી છે. મેચના પહેલા જ દિવસે કુલ બાર વિકેટ પડી, જેમાંથી આઠ વિકેટ સ્પિનર્સ (અશ્વિનની છ વિકેટ, અમિત મિશ્રાની બે વિકેટ)ને મળી છે. હવે જેમ જેમ ટેસ્ટ મેચ આગળ વધતી જશે તેમ તેમ વિકેટ વધુ ધીમી પડશે અને સ્પિનર્સને વધુ ને વધુ મદદગાર બનશે.હવે જો ટીમ ઇન્ડિયા મોટી સરસાઈ હાંસલ કરી લે તો તેણે બીજા દાવમાં બહુ મહેનત કરવી ના પડે. આથી એમ કહી શકાય કે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો માટે આજનો દિવસ ઘણો અગત્યનો બની રહેશે. ભારતીય બેટ્સમેનો સ્પિન બોલિંગ સામે મજબૂત બેટિંગ કરી શકે છે એ વાત આખી દુનિયા જાણે છે. એટલે આજે મેચના બીજા દિવસે જો વરસાદનું વિઘ્ન ના નડે તો ભારતીય બેટ્સમેનો પાસે વિશાળ સ્કોર નોંધાવી શ્રીલંકાના ગળા ફરતેનો ગાળિયો વધુ મજબૂત કરવાની સોનેરી તક છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયા ફક્ત છ બેટ્સમેન સાથે મેદાનમાં ઊતરી છે. આજે બીજા દિવસે એ જોવું દિલચસ્પ બની રહેશે કે ટીમ ઇન્ડિયાની રણનીતિ કેવી રહે છે.

You might also like