હા, હું પાકિસ્તાનનો છું તોયબાના કેમ્પમાં ટ્રેનિંગ લીધી હતીઃ નાવેદ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો પર હુમલા થયા પછી જીવતા પકડાઈ ગયેલા આતંકવાદી નાવેદે માની લીધું છે કે તે પાકિસ્તાનથી આવ્યો છે. નાવેદે આ વાત પોલિગ્રાફ ટેસ્ટમાં કહી છે. મોહંમદ નાવેદ ઉર્ફ ઉસ્માન ખાને તે પણ જણાવ્યું હતું કે તેપાકિસ્તાનમાં કયાં રહે છે. નાવેદના આ ખુલાસાથી કેટલીયે મહત્ત્વની જાણકારી મળી છે. તેણે એ પણ જણાવ્યું હતું કે તેને લશ્કરે તૈયબાએ તાલીમ આપી છે. તેણે લશ્કરી કેમ્પમાં ૫૦ આતંકવાદી સાથે તાલીમ લીધી હતી. નાવેદ એક ફિદાયીન સ્કવોડનો હિસ્સો હતો. નાવેદ તેની પૂછપરછ દરમિયાન સતત તેના નિવેદનો બદલતો રહેતો હતો. તેને કારણે જ એનઆઈએ દ્વારા તેની પોલિગ્રાફ ટેસ્ટ કરવાની માગ કરાઈ હતી. નાવેદનો મંગળવારે લગભગ ચાર કલાક સુધી પોલિગ્રાફ ટેસ્ટ લેવાયો હતો.આ દરમિયાન તેણે પાકિસ્તાનમાં પોતાના ઘરનું સરનામું અને તેના માતા-પિતાના નામ પણ જણાવ્યા. તેણે જણાવ્યું હતું કે બીએસએફની ટીમ પર તેણે નશાની હાલતમાં હુમલો કર્યો હતો.  જૂનના પહેલા સપ્તાહમાં તેણે ઘૂસણખોરી કરી હતી. તે પછી તે જમ્મુ-કાશ્મીરમાં જુદા જુદા સ્થાનો પર લગભગ ૪૦ દિવસ સુધી રહ્યો. તેણે જે દિવસે બીએસએફ પર હુમલો કર્યો તે દિવસે તેણે ડ્રગ્સ લીધું હતું. આ ટેસ્ટ દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું કે તે હાફિઝ સઇદના ભાષણથી ઘણો પ્રભાવિત હતો. એક મહત્ત્વની જાણકારી એ પણ મળી છે કે નાવેદનો હેન્ડવર અબુ કાસિમ કરતો હતો. આ મિશન સફળતાપૂવર્ક પાર પાડ્યા પછી તેને પાકિસ્તાનમાં એક ઘર અને પૈસા આપવાની લાલચ પણ આપવામાં આવી હતી.મંગળવારે આતંકવાદી નાવેદને કડક સુરક્ષા સાથે સીએફએસએલ લાવવામાં આવ્યો હતો. પોલીગ્રાફ ટેસ્ટ કરતા પહેલા તેને કેટલોક સમય એકાંતમાં રાખવામાં આવ્યો હતો. ટેસ્ટ દરયિમાન જાસૂસી બ્યૂરો સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ હાજર હતા, જેમના વિસ્તૃત વિશ્લેષણની રાહ જોવાઈ રહી છે. ઉધમપુરમાં પાંચમી ઓગસ્ટે સીમા સુરક્ષા દળની બસ પર થયેલા હુમલા પછી નાવેદને સ્થાનિક લોકોએ પકડ્યો હતો. આ હુમલામાં બીએસએફના બે જવાન શહીદ થઈ ગયા હતા અને આતંકી નાવેદના સાથી મોહંમદ નોમાન ઉર્ફ મોમિન બીએસએફના સામા પ્રતિસાદરૂપે કરાયેલા ગોળીબારમાં માર્યો ગયો હતો.

 
You might also like