હાર્દિકના આક્ષેપો સામે હાઈકોર્ટને આશંકા, વધુ સુનાવણી 29 સપ્ટેમ્બરે    

અમદાવાદઃ અરવલ્લીના તેનપુર ખાતેની સભા બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ રહસ્યમય રીતે ગાયબ થતાં તેને શોધવા વકીલ બી.એમ. માંગુકિયા મારફતે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરાઇ હતી. 

બુધવારે બપોરે હાર્દિક પટેલ ધ્રાંગધ્રા હાઇવે પરથી મળી આવતાં વકીલ માંગુકિયા તેઓને અમદાવાદના થલતેજ ખાતે તેઓની ઓફિસે લઇ આવ્યા હતા અને આજે સવારે તેને ગુજરાત હાઇકોર્ટમાં હાજર કર્યો હતો. હાઇકોર્ટમાં જસ્ટિસ એમ.આર. શાહ સમક્ષ હાર્દિકને રજૂ કરાયો હતો. જેમાં હાઈકોર્ટે હાર્દિકના આક્ષેપો સામે શંકા વ્યક્ત કરી તેનું લેખિતમાં નિવેદન લીધું હતું. કોર્ટે કાયદાનો દુરૂપયોગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી વધુ સુનાવણી 29 સપ્ટેમ્બર પર મુલતવી રાખી છે. 

કાર્યવાહી દરમિયાન હાઈકોર્ટે હાર્દિકને તેની સાથે બનેલી આખી ઘટના રજૂ કરવા કહ્યું હતું. હાર્દિકે પોલીસ દ્વારા તેને લઈ જવામાં આવ્યો હોવાની, કારમાં ફેરવવામાં આવ્યો હોવાની ઘટના વર્ણવી હતી. જેના પગલે તેની પાસે લેખિતમાં પણ નિવેદન લેવામાં આવ્યું હતું. 

દરમિયાનમાં હાર્દિક પટેલે ગઈકાલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કાળા કલરની સ્વિફ્ટ ગાડીમાં મને બેસાડી અને અરવલ્લી લઇ જવાયો હતો. ત્યાર બાદ આખી રાત ગાડીમાં તેને બેસાડી રાખવામાં આવ્યો હતો અને આંદોલન છોડી દેવા ધમકીઓ અપાઇ હતી. તેના કપાળે રિવોલ્વર ધરી ધમકી અપાતી હતી કે આંદોલન છોડી દે નહીં તો ઠોકી દઇશું. ત્યાર બાદ તેને મહેસાણાથી બહુચરાજી,પાટડી થઇ ધ્રાંગધ્રા માળિયા છોડી દેવાયો હતો.

સરકાર તરફે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સમગ્ર ઘટનાને સુઓમોટો રીટ તરીકે લઈને જો આ કેસમાં કાયદાનો દુરૂપયોગ કરવામાં આવ્યો હોય તો તેવા સંજોગોમાં જવાબદારો સામે કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. તેમણે કોર્ટ સમક્ષ કેટલીક મોબાઈલ કોલ ડિટેઈલ્સ પણ બંધ કવરમાં રજૂ કરી હતી. 

હાઈકોર્ટે સમગ્ર મામલાને ખુબ જ ગંભીરતાથી લીધો હતો. કોર્ટે એડવોકેટ માંગુકીયાને કહ્યું હતું કે, તમે કોર્ટ સમક્ષ વર્ણવી હતી તેવી પ્રાથમિક તબક્કાની ગંભીરતા હાલના તબક્કે જણાતી નથી. તેમજ તમારે અપહરણ થયું હતું એ વ્યક્તિ જ્યારે મળી આવ્યા ત્યારે કોર્ટને જાણ કરવાની જરૂર હતી. કોર્ટે એ બાબતે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી કે, એડવોકેટ માંગુકીયાએ સમગ્ર બાબતને મીડિયા સમક્ષ ખોટી રીતે લઈ ગયા હતા. કોર્ટ દ્વારા મનાઈ કરવામાં આવી હોવા છતાં તેમણે રાત્રે અઢી વાગ્યે મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ તમામ બાબતની કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી હતી. 

હાઈકોર્ટે મૌખિક અવલોકન કરતાં જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ એક વાર જૂઠું બોલે તો તેને દસ વાર જૂઠું બોલવું પડે છે. હાઈકોર્ટે એવું પણ મૌખિક અવલોકન કર્યુ હતું કે, કોઈને પણ ન્યાયતંત્ર સાથે રમત કરવાનો અધિકાર નથી. ન્યાયતંત્રની મજાક કરનારા સામે કડક હાથે કામ લેવાશે. આ પૂર્વે હાઈકોર્ટે કેસ સાથે જેમને કંઈ લેવા-દેવા ન હોય તેમને બહાર જવા આદેશ કર્યો હતો.

You might also like