હાર્દિકનાં પોરઠનાં પગલા : યાત્રા રદ્દ કરી સરકારને આપ્યું અલ્ટીમેટમ

સુરત : મોડી રાત્રે સુરતમાં પાટીદાર અનામત માટે હાર્દિક પટેલ દ્વારા આહ્વાહિત ઉંધી દાંડી યાત્રાને મોકુફ રાખવામાં આવી હતી. મોડી રાત્રે હાર્દિક પટેલે રસ્તા પર જ પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિકે જાહેરાત કરી હતી કે રવિવારે યોજાનાર દાંડીયાત્રા મંજુરી નહીમળવાનાં કારણે હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. જો કે તેણે સરકારને અલ્ટીમેટ આપતા જણાવ્યું હતું કે આગામી શનિવાર સુધીમાં જો તેમને રેલીમાટેની મંજુરી નહી મળે તો કોઇ પણ પરિસ્થિતીમાં રેલી કાઢવામાં આવશે. અને આવતા શનિવારે દુનિયાની કોઇ પણ તાકાત પાટીદારોને રેલી કાઢતા અટકાવી શકશે નહી. 

શનિવારે નવસારી જિલ્લા કલેક્ટર રમૈય્યા મોહન દ્વારા તહેવાર અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને જોતા તેમજ પાટીદાર અનામત રેલીબાદ અમદાવાદમાં ફાટી નિકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને રેલી કાઢવા માટેની પરવાનગી આપી નહોતી. અત્રે ઉલ્લેખનીય છેકે પાટીદાર અનામત સમિતી, સુરત દ્વારા રિવર્સ દાંડી યાત્રા કાઢવા માટે નવસારી જિલ્લા કલેક્ટરને આવેદન મોકલવામાં આવ્યું હતું. જે મુદ્દે છેલ્લે સુધી ભારે રહસ્ય સર્જાયેલું રહ્યું હતું. 

કલેક્ટરે આવેદન નકારી કાઢ્યા બાદ સમિતી અને હાર્દિક પટેલ દ્વારા એક મીટિંય યોજવામાં આવી હતી. આખો દિવસ ભારે હાઇવોલ્ટેજ ડ્રામા બાદ મોડી રાત્રે હાર્દિક પટેલે રેલી રદ્દ કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. મોડીરાત્રે પાલ રોડનાં ઓવરબ્રિજ નીચે હાર્દિકે મીડિયાકર્મીઓને સંબોધ્યા હતા.

જો કે હાર્દિક પટેલે રેલી રદ્દ કરવાની જાહેરાત સાથે સરકારને ચિમકી આપતા જણાવ્યું હતું કે જો આગામી શનિવાર સુધીમાં સંપુર્ણ રૂટ પર રેલી યોજવાની મંજુરી સરકાર દ્વારા નહી આપવામાં આવે તો કોઇ પણ પરિસ્થિતીમાં રેલી કાઢવામાં આવશે. આ રેલી કાઢતા પાટીદારોને દુનિયાની કોઇ પણ તાકાત નહી રોકી શકે. 

You might also like