હવે સ્માર્ટ સિટીની રાહે દેશનો વિકાસ સ્માર્ટ ગામની દિશામાં

ગ્રામીણ વિસ્તારોમાં શહેરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની એક રૂપરેખા પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.ડો. એપીજે અબ્દુલ કલામે રજૂ કરી હતી. તેમણે તેનું નામ ‘પ્રોવાઇડિંગ અર્બન એમિનિટીઝ ઇન રૂરલ એરિયાઝ’ (પુરા) એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં શહેરી સુવિધાઓની આપૂર્તિ. એવું નામ આપ્યું હતું. જોકે રાજકીય ઇચ્છાશકિતના અભાવે તેમનું આ સપનું વાસ્તવિકતામાં સાકાર થઇ શકયું નહોતું, પરંતુ હવે શ્યામાપ્રસાદ મુખરજી રર્બન મિશન (એસપીએમઆરએમ)ની ‌શરૂઆત સાથે હવે ડો.કલામની યોજનાના ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે વાસ્તવિક શકયતા ઊભી થઇ છે.

આ મિશન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસને લગતા વિચારોની નીપજ છે. તેનો ઉદ્દેશ્ય ગ્રામીણ ક્ષેત્રોમાં સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ કરવાનો છે. આ યોજના હેઠળ અનેક ગામોનાે એક કલસ્ટર તરીકે વિકાસ કરવામાં આવશે. આ ગામોમાં વિકાસની શકયતાઓને ફળીભૂત કરવાની કોશિશ કરવામાં આવશે. આ પ્રકારના વિવિધ ગ્રામ સમૂહો તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિકસિત કરવામાં આવશે. તેને રર્બન ગ્રૂપ કે કલસ્ટર તરીકે વિકસાવવામાં આવશે.

દેશમાં હવે સ્માર્ટ સિટીની પેટર્ન પર સ્માર્ટ ગામોનો પણ વિકાસ થશે. કેન્દ્ર સરકારે રૂ. ૫૧૪૨ કરોડની શ્યામાપ્રસાદ મુખરજી ગ્રામીણ મિશનને મંજૂરી આપી દીધી છે. તેનો હેતુ ગામડાંઓને સ્માર્ટ ગામોમાં પરિવર્તિત કરવાનો છે. સ્થાનિક સ્તરે લોકોને રોજગાર આપીને મહાનગરો તરફ લોકોની હિજરત રોકવાનો અને ગ્રામિણ ક્ષેત્રોમાં આર્થિક વિકાસની ગતિને વેગ આપવાનો આ યોજનાનો હેતુ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયના પ્રસ્તાવને લીલી ઝંડી આપવામાં આવી છે. ઈન્ફર્મેશન ટેકનોલોજી પ્રધાન રવિશંકરપ્રસાદ અને ગ્રામીણ વિકાસ પ્રધાન ચૌધરી વીરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે દેશભરમાં ગ્રામીણ અને શહેરી અંતર મિટાવવા માટે ૨૦૧૯-૨૦માં ૩૦૦ ગ્રામીણ ક્લસ્ટર બનાવવામાં આવશે એક ક્લસ્ટરમાં ૧૦થી લઈને ૧૦૦ ગામોને આવરી લેવાશે. તેમણે જણાવ્યું હતું કે આ મિશનનું લક્ષ્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિકાસ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવાનો છે. તેનાથી સમગ્ર ક્ષેત્રના વિકાસને વેગ મળશે. 

આ ક્લસ્ટર દ્વારા આર્થિક પ્રવૃત્તિઓ, કૌશલ્ય વિકાસ, સ્થાનિક ઉદ્યોગ સાહસિકતાની સાથે સાથે અનેક સુવિધાઓ મળશે કે જેથી સ્માર્ટ ગામોનું એક ક્લસ્ટર બની શકે. આ યોજના હેઠળ રાજ્ય સરકારો ગ્રામિણ વિકાસ મંત્રાલય દ્વારા ક્રિયાંન્વિત કરવા માટે માટે તૈયાર કરવામાં આવેલી રૂપરેખાને અનુરૂપ ક્લસ્ટરોની ઓળખ કરશે. રાજ્યોમાં વસ્તીને આધારે કલ્સટર બનાવવામાં આવશે. આ ક્લસ્ટરમાં કૌશલ્ય વિકાસ તાલીમ, કૃષિ પ્રોસેસિંગ, કૃષિ સેવાઓ, વેર હાઉસિંગ, ડિજિટલ સાક્ષરતા, સ્વચ્છતા પાઈપ દ્વારા જળ પુરવઠો, રસ્તાઓ અને નાળાઓ સ્ટ્રીટ લાઈટ, મોબાઈલ હેલ્થ યુનિટ્સ, એલપીજી ગેસ કનેકશન, ઈ-ગ્રામ કનેક્ટિવિટી, સિટિઝન સેવા કેન્દ્રો જેવી અનેકવિધિ સુવિધા અને સવલતો ઉપલબ્ધ બનશે.

આમ આ યોજનાના નામ મુજબ ગામડાંઓને શહેરો જેવું સ્વરૂપ આપવામાં આવશે. આ ગ્રામ્ય કલસ્ટરમાં આર્થિક પ્રવૃત્તિઓને એ રીતે પ્રોત્સાહિત કરવામાં આવશે કે  ગામના લોકોમાં કાર્યકુશળતા આવે અને સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન મળે. આ માટે જરૂરી પાયાનું માળખું તૈયાર કરવામાં આવશે. આ યોજના જો યોગ્ય રીતે આગળ વધશે તો દેશમાં સેંકડો સ્માર્ટ ગામોનું નિર્માણ થશે અને તેની સાથે સાથે સ્માર્ટ સિટી પ્રોજેકટ પણ આગળ વધશે.

આમ સ્માર્ટ સિટી અને સ્માર્ટ ગામ યોજના વચ્ચે જો તાલમેલ સધાશે તો દેશભરમાં આર્થિક, સામાજિક અને ટેકનિકલ વિકાસની એક નવી તસવીર આપણી સામે રજૂ થશે. આ મિશનમાં રાજ્ય સરકારોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહેશે. ગ્રામ્ય કલસ્ટરોની પસંદગીથી લઇને પોતાના હિસ્સાનું નાણાંભંડોળ ઉપલબ્ધ કરાવવા સુધી તેમજ યોજનાઓના અમલનું મોનિટરિંગ કરવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે.

અગાઉ જારી કરવામાં આવેલી અનેક યોજનાઓને રર્બન કલસ્ટરને વિકસિત કરવા સાથે જોડવામાં આવશે. જોકે એક વાત સ્પષ્ટ છે કે આ મિશનની સફળતા રાજ્યોના ઉત્સાહ અને સક્રિય સામેલગીરી પર નિર્ભર રહેશે. આ માટે રાજ્યોએ એક સુગ્રથિત કાર્ય યોજના તૈયાર કરવી પડશે અને કેન્દ્ર સાથે સમન્વય સાધીને આ યોજનાને યુદ્ધના ધોરણે આગળ ધપાવવી પડશે.

You might also like