હવે શસ્ત્ર ચલાવતાં આવડતાં હશે તેમને જ લાઈસન્સ મળશે

નવી દિલ્હીઃ પ૬ વર્ષ જૂના આર્મ્સ એકટના સ્થાને કેન્દ્ર સરકાર નવો શસ્ત્ર કાયદો લાવી રહી છે. આ નવા કાયદા હેઠળ શસ્ત્રોનાં લાઇસન્સ અને પરવાના એવી વ્યક્તિને જ મળશે જેને શસ્ત્ર ચલાવતાં આવડતું હોય. શસ્ત્રો ચલાવવા માટે ટ્રેનિંગ અને તેની સારસંભાળ કઇ રીતે લેવી તે શીખવાડવા માટે દેશભરમાં સંસ્થાઓ ખોલવામાં આવશે.

લાપરવાહી કે શસ્ત્રધારક દ્વારા થતી દુર્ઘટનાઓને રોકવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. નવા કાયદાની રૂપરેખા પર હવે રાજ્ય સરકારો તરફથી સૂચનો મોકલવામાં આવી રહ્યાં છે. શિયાળુ સત્રમાં આ નવા શસ્ત્ર કાયદાને આખરીરૂપ આપવામાં આવશે. 

ગૃહ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જૂના કાયદામાં ૩પ ટકાથી વધુ નવી જોગવાઇઓ જોડવામાં આવશે. દેશભરમાં ર૦ લાખથી વધુ શસ્ત્રોનાં લાઇસન્સ અને પરવાના છે. નેશનલ ડેટા આર્મ્સ બેઝ લાઇસન્સ (નડાલ) પ્રોજેકટ હેઠળ ૧૭ લાખથી વધુ શસ્ત્ર લાઇસન્સના યુનિક આઇડી નંબર માટે અરજીઓ મળી ચૂકી છે. આ પૈકી ૧ર૦૩૭૬૯ શસ્ત્રોને આઇડી નંબર જારી કરવામાં આવી ચૂકયા છે.

નવા કાયદા હેઠળ શૂટિંગ સાથે સંકળાયેલા ખેલાડીઓને મળતી કારતૂસોની સંખ્યા વધારીને બમણી કરી દેવામાં આવી છે. શૂટર્સને હવે દેશભરમાં વારંવાર પોલીસ વેરિફિકેશન કરાવવું નહીં પડે. ઇન્ટરનેશનલ ખેલાડીઓ માટે કારતૂસની સંખ્યા પ૦,૦૦૦થી વધારીને એક લાખ અને જુનિયર ટાર્ગેટ શૂટર્સને ૩૦,૦૦૦ સુધી કારતૂસ ચલાવવાની મંજૂરી મળશે.

You might also like