નવી દિલ્હીઃ નાનાં શહેરોમાં બીપીઓ બિઝનેસ શરૂ કરવાની સારી તક છે. કમ્યુનિકેશન એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આ માટે ઈન્ડિયા બીપીઓ પ્રમોશન સ્કીમ તૈયાર કરી છે. આ યોજના હેઠળ સરકાર બીપીઓના બિઝનેસ માટે પ્રારંભિક મૂડીના ૫૦ ટકા સુધીની સહાય આપશે. મંત્રાલયે આ માટે એક્સ્પ્રેસન ઓફ ઇન્ટ્રેસ્ટ પણ જારી કર્યો છે. કંપનીઓ ૩૧ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે. નવી યોજનાથી સરકારને ૧.૫૦ લાખ રોજગાર ઊભા થવાની આશા છે.
કમ્યુનિકેશન એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી ઈન્ડિયા બીપીઓ પ્રમોશન સ્કીમ દેશના ૨૭ રાજ્યમાં લાગુ પડશે. જે શહેરોમાં બીપીઓ ઈન્ડસ્ટ્રી ડેવલપ થઈ નથી તે શહેરમાં જ આ યોજના લાગુ પડશે. આ સ્કીમ નેશનલ કેપિટલ રિજિયન, બેંગલુરુ, ચેન્નઈ, પુણે, મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદ શહેરને લાગુ નહીં પડે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારતનાં રાજ્યોને પણ લાગુ પડશે નહીં.
આ સ્કીમ હેઠળ બીપીઓ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર ૫૦ ટકા સુધીની મૂડી સહાય આપશે, જે પ્રતિ સીટ મહત્તમ રૂ. એક લાખ સુધી મળશે. આ સ્કીમમાં ૧૮ કેટેગરી તૈયાર કરવામાં આવી છે. જેના માટે વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ પેટે સરકાર ૫૦ ટકા સુધી મૂડી સહાય કરશે.