હવે નજીબ જંગની અરવિંદ કેજરીવાલ દ્વારા પ્રશંસા થઇ

નવીદિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે દિલ્હીના લેફ્ટી ગવર્નર નજીબજંગની અસામાન્યરીતે એકાએક પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, નજીબ જંગ સારી વ્યક્તિ છે પરંતુ તેમની આસપાસ ખરાબ રાજકીય વડાઓ છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર કહ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા નજીબ જંગની હકાલપટ્ટીની માંગણી કરવામાં આવી રહી છે. જે ખુબ જ આશ્ચર્યજનક છે. 

પીએમઓ દ્વારા તેમને દરરોજ નવા પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. તેમને દૂર કરવાથી કોઇ મદદરુપ સ્થિતિ સર્જાશે નહીં. જો પીએમઓ દ્વારા સતત દરમિયાનગીરી કરવામાં આવશે તો નવા અનુગામીની સ્થિતિ પણ આવી જ રહેશે. પીએમઓ દિલ્હીની કામગીરીમાં દરમિયાનગીરી કરવાનું બંધ કરે તે મહત્વપૂર્ણ બાબત છે. નજીબ જંગ ખુબ સારી વ્યક્તિ છે. 

શુક્રવારના દિવસે ઉત્તર પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ ઉદિતરાજે નજીબ જંગની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, નજીબ જંગ સુપરકિંગ તરીકેની ભૂમિકા અદા કરી રહ્યા છે. તેઓ એક ક્લાર્કની કામગીરી અદા કરી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે, એલજીને દૂર કરવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખવામાં આવશે.

તાજેતરના બનાવ અંગે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, નજીબ જંગ અને દિલ્હીના મુખ્યમંત્રી વચ્ચે ખેંચતાણની સ્થિતિ રહેલી છે. બીજી બાજુ એએપી દ્વારા વિતેલા વર્ષોમાં રાજ્ય સરકારની કામગીરીમાં દરમિયાનગીરી કરવા બદલ જંગ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે.

 

પ્રથમ વખત અરવિંદ કેજરીવાલ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલ અને નજીબ જંગ વચ્ચેની ખેંચતાણ નવી સરકાર સત્તામાં આવ્યા બાદથી જાણીતી રહી છે. આવનાર દિવસોમાં  સ્થિતિને લઇને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.

You might also like