હવે ટ્રેનમાં પ્રવાસીઓને મળશે વિમાન જેવી સગવડ-સવલત

નવી દિલ્હીઃ હવે ટ્રેનમાં પ્રવાસ દરમિયાન વિમાન જેવી કેટલીક સગવડો અને સવલતો મળશે. રેલવેએ વિમાની સેવાઓ જેવી સવલતો આપવાની તૈયારી કરી લીધી છે. રેલવે હવે રિઝર્વેશન કોચમાં પ્રવાસીઓને બેઠક ગ્રહણ કરતાંની સાથે જ ડિસ્પોઝેબલ કચરાથેલી ઉપલબ્ધ કરાવશે. પ્રવાસીઓએ પ્રવાસ દરમિયાન જે કચરો થાય તે કચરો આ બેગમાં નાખવાનો રહેશે. રેલવેએ પર્યાવરણ સાનુકૂળ ગાર્બેજ બેગ તૈયાર કરી છે.

વિમાનના પ્રવાસની જેમ પ્રવાસ દરમિયાન ડબ્બામાં જ હાજર સફાઈ કર્મચારી એક મોટી ડસ્ટ‌િબન લઈને આવશે અને આ કચરાની થેલીને તેમાં નાખવા અનુરોધ કરશે. ટ્રેનોને સ્વચ્છ રાખવા માટે રેલવે મંત્રાલય ૨ ઓક્ટોબરના રોજ ગાંધીજયંતી નિમિત્તે આ અભિયાન શરૂ કરશે. 

રેલવે મંત્રાલય દ્વારા આ અભિયાનને સ્વચ્છ રેલ, સ્વચ્છ ભારત અભિયાન એવું નામ આપવામાં આવ્યું છે એટલું જ નહીં રેલવે મંત્રાલયે ગાર્બેજ બેગ તૈયાર કરવાનો ઓર્ડર પણ આપી દીધો છે. મહત્ત્વની વાત એ છે કે પ્રવાસીઓ પાસેથી આ બેગ માટે કોઈ વધારાનો ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં.

રેલવે આ પ્રયોગ પોતાની ઓનબોર્ડ હાઉસકીપિંગ યોજના હેઠળ શરૂ કરનાર છે. રેલવે કચરો એકત્ર કરવા માટે ત્રણ પ્રયોગ કરશે. ગાર્બેજ બેગ ઉપરાંત ટ્રેનમાં સફાઈ કર્મચારી મોટી ડસ્ટબિન લઈને આવશે અને આ ગાર્બેજ બેગ તેમાં નાખવાનું કહેશે. ત્રીજો પ્રયોગ એવો છે કે રેલવે કર્મચારીઓને બેગ નહીં આપવામાં આવે, પરંતુ સમગ્ર ટ્રેનમાં ડસ્ટબિન ફેરવીને કચરો એકત્ર કરવામાં આવશે.

You might also like