હવે ગેસ એજન્સી ખાવા નહી પડે ધક્કા, LPG કનેક્શન મળશે Online 

નવી દિલ્હીઃ હવે એલપીજી માટેનું નવું કનેક્શન ઓનલાઇન મળી શકશે. મોદી સરકારના ડિજિટલ ઇન્ડિયા  કાર્યક્રમ હેઠળ સરકાર સંચાલિત કંપનીઓ હવે વેબ આધારિત સિસ્ટમ દ્વારા નવાં એલપીજી કનેક્શન અને કૂકિંગ હોબ્સનું વેચાણ કરશે.

અહેવાલો અનુસાર આ માટે વિક્રેતા ચાર આંકડાનો એક ઇમર્જન્સી રિસ્પોન્સ નંબર પણ લોન્ચ કરશે, જે યાદ રાખવો સરળ હશે અને તેના પર લીકેજ વગેરેની ફરિયાદ કરી શકાશે. નવો નંબર પોલીસના ૧૦૦ નંબરની જેમ સમગ્ર દેશમાં એકસરખી રીતે લાગુ પડશે.

નવી ઓનલાઇન સિસ્ટમમાં લોકોને ઘેરબેઠાં નવાં એલપીજી કનેક્શન મળી જશે અને ડીલરો પાસેની દોડધામમાંથી મુકિત મળશે. નવી સિસ્ટમ તમામ ફ્યૂઅલ કંપનીની વેબસાઇટ અને સરકારના એલપીજી પોર્ટલ પહેલ પર ઉપલબ્ધ બનશે. 

નવાં કનેક્શન માટે ફોર્મ પણ ઓનલાઇન જ ભરવાનું રહેશે અને અરજી કર્યાના માત્ર ૪૮ કલાકમાં તમને ઇ-મેઇલ કે મેસેજ દ્વારા કસ્ટમર આઇડી મળી જશે. આ નંબરના ઉપયોગથી ઓનલાઇન પેેમેન્ટની પ્રક્રિયા પૂરી કરી શકાશે. 

પેમેન્ટ અને વેરિફિકેશન બાદ ડીલર તમારા ઘરે રેગ્યુલેટર, સિલિન્ડર અને રબર પાઇપની ડિલિવરી કરી દેશે. સમગ્ર પ્રક્રિયામાં છથી સાત દિવસનો સમય લાગશે.

You might also like