હવે કામચોર અને ભ્રષ્ટાચારી સરકારી અધિકારીઓને વહેલા ‌રિટાયર કરાશે

નવી દિલ્હીઃ મોદી સરકાર હવે કામચોર અને ભ્રષ્ટાચારી કર્મચારીઓ પર તવાઇ લાવવાની તૈયારીઓ કરી રહી છે. હવે પ૦ વર્ષથી ઉપરની વયના સરકારી કર્મચારીઓની કામગીરીની ઉચ્ચ સ્તરે સમીક્ષા કરવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે. તેની શરૂઆત નાણાં મંત્રાલય હેઠળ આવતા કસ્ટમ અને સેન્ટ્રલ એકસાઇઝ બોર્ડના ગ્રૂપ એના અધિકારીઓની કામગીરીની સમીક્ષાથી થશે.

સરકારી કર્મચારીઓની કામગીરીની સમીક્ષાના માપદંડ અનુસાર આ ટોચના અધિકારીઓને વહેલા રિટાયર પણ કરી દેવામાં આવશે. કસ્ટમ અને સેન્ટ્રલ એકસાઇઝ બોર્ડના (સીબીઇસી) ચેરમેનની અધ્યક્ષતામાં એક સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે. આમ પણ તેના નિયમોમાં ગ્રૂપ-એના કર્મચારીઓની વખતોવખત સમીક્ષા કરવાની જોગવાઇ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રૂપ-એ હેઠળ વિભાગના ટોચના અધિકારીઓને આવરી લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલયે ૧૪ ઓગસ્ટે સીબીઇસીના ગ્રૂપ-એના કર્મચારીઓની કામગીરીની સમીક્ષા માટે ચાર સભ્યોની સ્ક્રીનિંગ કમિટીની રચના કરતો કાર્યાલય આદેશ જારી કર્યો હતો. આ કમિટી સીબીઇસીના પ્રત્યેક અધિકારીનો એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરશે જેને સમીક્ષા કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે અને સમીક્ષા કમિટી આ અધિકારી સેવામાં ચાલુ રહેવા માટે સક્ષમ છે કે નહીં તેનો નિર્ણય કરશે.

આ સમીક્ષા સીસીએસ પેન્શન રૂલ્સ ૧૯૭રના એફઆર-પ૬ (જે), એફઆર-પ૬ (આઇ) અને રૂલ્સ-૪૮ (૧) (બી) હેઠળ કરવામાં આવશે. કમિટી આ નિયમો હેઠળ ૩૦ વર્ષનો કાર્યકાળ પૂરો કરનારા બિનકાર્યક્ષમ કે ભ્રષ્ટાચારી કર્મચારીઓ અને અધિકારીઓની સમીક્ષા બાદ ત્રણ મહિનાની નોટિસ અને ત્રણ મહિનાના પગાર-ભથ્થાની ચૂકવણી સાથે વહેલી રિટાયરમેન્ટ આપી શકે છે. 

 

You might also like