હવે ઈવીએમ પર પ્રથમ વાર 'નોટા'નું ચૂંટણી ચિહ્ન હશે

નવી દિલ્હીઃ રાજકીય પક્ષોની જેમ હવે વોટિંગ મશીનમાં ૨૦૧૩થી મતદારોને મળેલા ‘નોટા’ વિકલ્પને પણ પોતાનું અલગ ચૂંટણી ચિહ્ન મળશે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) પર ‘નોટા’નું નિશાન બેલેટ પેપર પર કાળા રંગના ક્રોસનું નિશાન હશે.

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ‘નોટા’ના ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરવામાં આવશે. ઈવીએમ મશીનો અને બેલટ પર સાવ છેલ્લે આપવામાં આવેલ વિકલ્પ. આમાંથી કોઈ પણ નહીં. અર્થાત્ ‘નોટા’ વિકલ્પને ઈવીએમ પર બેલટ પેપરમાં કાળા રંગનો ક્રોસ બનેલો હશે. જે ‘નોટા’નું નિશાન ગણાશે.

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે ‘નોટા’ના વિકલ્પનું નિશાન અમદાવાદની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન (એનઆઈડી) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી કોર્ટના આદેશ બાદ ૨૦૧૩ના સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણીપંચે ‘નોટા’ બટનને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં સ્થાન આપ્યું હતું. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૬૦ લાખ લોકોએ ‘નોટા’ વિકલ્પનો ઉપયોગ કર્યો હતો અને હવે ‘નોટા’ વિકલ્પને કાળા રંગના ક્રોસનું નિશાન આપવામાં આવતાં તેનો ઉપયોગ વધુ સરળ બનશે.

You might also like