હવે ઈન્સ્યોરન્સ કંપની ગ્રાહકોને છેતરી નહીં શકે

મુંબઈઃ ગ્રાહકોને લલચામણા અને લોભામણા રિટર્નની લાલચ આપી ઈન્સ્યોરન્સ પોલિસી અથવા મ્યુચ્યુઅલ ફંડ પોલિસીનો કારોબાર કરતી ઈન્સ્યોરન્સ કંપનીઓ સામે નિયમનકારી એજન્સી લાલ આંખ કરશે. ઈન્સ્યોરન્સ, પેન્શન, મ્યુચ્યુઅલ ફંડની વિવિધ નાણાકીય પ્રોડક્ટમાં રોકાણકારો અને ગ્રાહકોનાં હિતોની રક્ષા કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલી કમિટીએ ભલામણ કરી છે. કમિટીનો આ રિપોર્ટ સરકારે સાર્વજનિક કર્યો છે. આ રિપોર્ટમાં કરેલા સૂચનાના આધારે વીમા, પેન્શન અને મ્યુચ્યુઅલ ફંડે ગ્રાહકોનાં હિતોની રક્ષા અને નાણાકીય બજારમાં ખામીઓ દૂર કરવા પગલાં ભરવાં પડશે. રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે રોકાણકારોને ખોટી માહિતી આપવી જોઈએ નહીં એટલે કે ગ્રાહકોને પહેલાંથી જ સ્પષ્ટ શબ્દોમાં બતાવી દેવું જોઈએ કે નાણાકીય પ્રોડક્ટ ઉપર ચોક્કસ કેટલું રિટર્ન મળશે એટલું જ નહીં નક્કી કરેલ મુદત પહેલાં વચ્ચેથી ગ્રાહક બહાર નીકળી જાય તો તેવા સમયે કયા પ્રકારના ચાર્જિસ લદાશે તેની પણ સ્પષ્ટતા હોવી જોઈએ. ઈન્સ્યોરન્સ કંપનીઓએ તથા પેન્શન ફંડે ગ્રાહકોની સરળતા માટે મોબાઈલ એપ્લિકેશન ઉપલબ્ધ કરાવવી જોઈએ તથા તેમાં સરળ ભાષા અને શબ્દોમાં જાણકારી આપવી જોઈએ, જેના કારણે પારદર્શિતા વધે. ઉલ્લેખનીય છે કે નાણાકીય બજારમાં વિશ્વાસનું વાતાવરણ વધે તે માટે નિયમનકારી એજન્સી ઈરડા પણ વધુ સખત બની છે.
You might also like